Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

હાઈકોર્ટમાં સુનાવણીઃ લગ્નમાં ૫૦ લોકોની પણ જરૂર નથીઃ ધાર્મિક કાર્યક્રમો ઉપર પ્રતિબંધની માંગણી થઈ

રાજ્ય સરકાર લગ્નોમાં સંખ્યા ૫૦થી વધુ ઓછી કરવા માટે તૈયાર

અમદાવાદ, તા. ૧૧ :. આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાને લઈને સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે લગ્ન સમારોહ અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ નિયંત્રણો મુકવા કરેલા સૂચનનો સરકાર સ્વીકાર કરી લગ્નો અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ કડક હાથે કામ લ્યે તેવી શકયતા છે. એટલુ જ નહિ લગ્ન સમારોહ ઉપર ૧૫ દિવસનો પ્રતિબંધ લાદવામાં આવે તેવી શકયતા છે. ધાર્મિક કાર્યક્રમોમા પણ સંખ્યા સીમીત કરવામાં આવે તેવી શકયતા છે.

હાઈકોર્ટમાં એવી દરખાસ્ત થઈ હતી કે લગ્નોમાં લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો ૧૫ દિવસ માટે પ્રતિબંધીત કરવામાં આવે. અનેક ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન કાર્યક્રમોમાં ભીડ થાય છે તે બંધ થવુ જોઈએ. હાલ લગ્ન સમારોહમાં ૫૦ લોકોની હાજરી નિશ્ચિત કરવામાં આવી છે. તેમા ઘટાડો કરવામા આવે તેવુ સૂચન થયુ છે. સરકારે પણ આ સંખ્યા ઘટાડવા તૈયારી દર્શાવી છે.

હાઈકોર્ટમાં સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે લગ્નોમાં લોકોની સંખ્યામા ઘટાડો કરવા બાબતે વિચાર કરવા સરકાર તૈયાર છે. એ જોતા આગામી દિવસોમાં લગ્નોમાં સંખ્યા વધુ ઘટી શકે છે.

દરમિયાન રાજ્ય સરકારે ૫૬ પાનાનુ સોગંદનામુ રજૂ કર્યુ હતું. જેમાં જણાવાયુ છે કે એક દિવસના ૧૬૧૧૫ રેમડેસિવીર ઈન્જેકશન કેન્દ્ર ગુજરાતને આપશે. જ્યારે તેમા વધુ દાવો કરવામાં આવ્યો છે. હોસ્પીટલના બેડમાં ૧૦૭૭૦૨નો વધારો કરવામાં આવ્યો છે.

ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણ અટકાવવા સરકારે 'મારૂ ગામ કોરોનામુકત ગામ' અભિયાન શરૂ કર્યુ છે તે બાબતે જણાવાયુ હતું.

(3:01 pm IST)