Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

સુરત : હીરા વેપારી ૫૦ કરોડનું ઉઠમણુ કરીને ભાગી ગયાની ચર્ચાથી ગભરાટ

વેપારી છેલ્લા બે દિવસથી પોતાની ઓફિસ બંધ કરી ફરાર થઇ ગયાની વાત સામે આવતા હીરા ઉદ્યોગમાં સન્નાટો

સુરત તા. ૧૧ : સુરતમાં હીરા બજારમાં પહેલાથી મંદી ચાલી રહી છે ત્યારે વધુ એક આંચકા સમાન સમાચાર મળી રહ્યા છે. એક વેપારી રૂપિયા ૫૦ કરોડનું ઉઠમણું કરીને ફરાર થઈ ગયાની ચર્ચા હાલ હીરા માર્કેટમાં ચાલી રહી છે. ૫૦ કરોડના ઉઠમણાના સમાચાર મળતા જ આ વેપારી સાથે લે-વેચ કરનારા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. મળતી માહિતી પ્રમાણે રફ હીરાનું વેચાણ કરતા લોકોના નાણા સલવાયા છે. વરાછા હીરા બજાર ખાતેનો વેપારી પોતાની ઓફિસને તાળું મારીને ફરાર થઈ ગયો છે. વેપારી શનિવારે જ ફરાર થઈ ગયાનો ચર્ચા ચાલી રહી છે. એક તરફ હીરા બજારમાં કોરોનાને પગલે પહેલાથી જ મંદી જેવી સ્થિતિ છે ત્યારે આ સમાચાર હીરા બજાર માટે ખરેખર આંચકા સમાન છે.

ઉલ્લેખનીય છે કે સુરત હીરા ઉદ્યોગ માટે જાણીતું છે. તેવામાં કોરોનાને લઇને હીરા ઉદ્યોગે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી છે. આ દરમિયાન ૫૦ કરોડના હીરા ખરીદી કરી એક વેપારી ઉઠમણું કરી ફરાર થઈ ગયાની વાત સામે આવતા સુરત હીરા વેપારીઓની ચિંતા વધી છે. રફ હીરામાં કામ કરતા આ હીરા વેપારીના ઉઠમણાને પગલે અનેક હીરા વેપારીઓનાં રૂપિયા સલવાયા છે. આ કારણે હીરા વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

દુનિયાના ૧૦માંથી આઠ હીરા સુરતમાં તૈયાર થાય છે. સુરત હીરા ઉદ્યોગ માટે જાણીતું છે. હીરા ઉદ્યોગ માટે સુરત સૌથી મોટું સેન્ટર છે. અહીં વિશ્વાસ પર વેપાર ચાલે છે. જોકે, અહીં થોડા દિવસ થાય ને કોઈ વેપારી કરોડો રૂપિયાના હીરા લઇને ભાગી જાય છે. વિશ્વાસઘાત અને ઉઠમણાને લઈને આ વેપારને કરોડો રૂપિયાનો ચૂનો લાગે છે. આવી ઘટનાઓને લઇને વેપારીઓના કરોડો રૂપિયા તો ડૂબી જ જાય છે, સાથે સાથે વેપારને પણ મોટો ફટકો પડે છે.

હવે સુરતમાં રફ ડાયમંડમાં કામ કરતા એક વેપારી અંદાજીત ૫૦ કરોડના હીરા ખરીદી કરી છેલ્લા બે દિવસથી પોતાની ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયાની વાત સામે આવતા સુરતના હીરા ઉદ્યોગમાં સન્નાટો છવાયો છે. એક તો પહેલેથી વેપાર બરાબર નથી ચાલતો અને તેમાં પણ ઉઠમણાને લઈને નાના વેપારીઓના રૂપિયા સલવાયા છે. ૨૦૨૧ના વર્ષમાં અત્યાર સુધી સુરત સાથે મુંબઈની હીરા બજારમાં ૪૦૦ કરોડ કરતા વધુના ઉઠમણા થઈ ચૂકયા છે.

(12:55 pm IST)