Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

રાજ્યના શહેરોમાં કોરોના થોડો ધીમો પડ્યો : ગામડામાં કહેર વરસ્યો : મૃત્યુઆંક પણ વધ્યો

કોરોનાના અડધાથી વધુ મરણ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાઈરસની બીજી લહેર તબાહી મચાવી રહી છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સંક્રમિતોની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે જ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જો કે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણે ચિંતા વધારી દીધી છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની પૂરતી વ્યવસ્થાના અભાવે લોકો ઝડપથી સંક્રમિત થઈ રહ્યાં છે. Corona Cases In Villages

અત્યાર સુધી રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં જ કોરોનાનો કહેર જોવા મળતો હતો. જો કે હવે આ વાઈરસ ગ્રામીણ વિસ્તારના લોકોના પણ જીવ લઈ રહ્યો છે.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા મોતના આંકડાઓ પર નજર નાંખીએ તો અડધાથી વધુ મરણ ગ્રામ્ય વિસ્તારમાં જ નોંધાયા છે. રવિવારે રાજ્યભરમાં 121 કોરોના દર્દીઓના મોત નીપજ્યાં હતા. જેમાંથી 56 એટલે કે 46 ટકા મરણ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં નોંધાયા છે. જ્યારે અન્ય 65 મોત એટલે કે કુલ મરણના 54 ટકા મોત ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે.

હવે એક મહિના પહેલા એટલે કે 9 એપ્રિલના આંકડા પર નજર નાંખીએ તો, તે સમયે 42માંથી 35 મોત શહેરી વિસ્તારમાં નોંધાયા હતા. એટલે કે પ્રતિદિન સરેરાશ 83 ટકા મોત શહેરી વિસ્તારમાં જ નોંધાયા હતા. જો કે હવે સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. હાલ ગામડાઓમાં કોરોનાની સ્થિતિએ રાજ્ય સરકાર અને સ્વાસ્થ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. આજ કારણ છે કે, રાજ્ય સરકારે ગામડાઓને કોરોનાથી મુક્ત કરવા માટે “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન શરૂ કર્યું છે.

(9:14 pm IST)