Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

સુરતની સ્મીમેરમાં દાખલ કોરોનાના દર્દીને સારવાર સાથે 24 કલાકમાં મેન્ટલ સ્ક્રીનિંગ

સિનિયર સિટીઝન દર્દીનું સ્ક્રીનીંગ કરાતા ગેરસમજ દૂર થઈ

સુરત: કોરોના મહામારીને કારણે આપણે આર્થિક, સામાજિક, શારીરિક તથા માનસિક જેવા ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. કોરોનાની ચેપી બિમારીના હાઉ અને સમાજમાં જોવા મળતા ડરના માહોલના કારણે કોવિડ 19નું નિદાન થતા દર્દી આઘાતની લાગણી અનુભવે છે, તદુપરાંત દર્દીઓએ આઈસોલેશનમાં રહેવું પડતું હોય છે. જેથી દર્દી પોતાને એકલો અટૂલો અને અલગ અનુભવે છે.

વધુમાં ઓક્સિજન લેવલ ઘટતાં અથવા અન્ય શારિરીક બિમારીના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડે ત્યારે દર્દી અને તેના પરિવારની ચિંતા વધી જતી હોય છે, આવા સંજોગોમાં કોવિડના શરૂઆતના તબક્કામાં ડોક્ટરનું ઓબ્ઝર્વેશન રહ્યું છે કે કોરોનાની બિમારી દર્દીના શરીરની સાથે મસ્તિષ્ક પર પણ અસર કરે છે. જેથી કેટલાક દર્દીઓમાં ન્યુરોલોજી અને સાયકિયાટ્રી સંબંધિત રોગોના લક્ષણો જોવા મળે છે, જેનું યોગ્ય સમયે સચોટ નિદાન અને સારવારની જરૂર હોય છે. આથી સ્મીમેર હોસ્પિટલ ખાતે પ્રથમ ફેઝમાં જુલાઈ 2020થી કોરોના દર્દીની શારીરિક તપાસ સારવારની સાથે માનસિક સ્વાસ્થ્યની તપાસ શરૂ કરવામાં આવી હતી.

સ્મીમેરના મનોચિકિત્સા વિભાગના ડોક્ટરો દ્વારા દર્દીના દાખલ થયાના 24 કલાકની અંદર જ માનસિક આરોગ્યનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આ મેન્ટલ હેલ્થ ચેક અપ દરમિયાન દર્દીમાં વિકસતા સામાન્યથી ગંભીર ચિંતા, તણાવ તથા અન્ય માનસિક બિમારીના લક્ષણો અંગે ડોક્ટરને ખ્યાલ આવી જતાં સચોટ અને તાત્કાલિક સારવાર આપવાંમાં આવે છે.

દર્દીઓ હોસ્પિટલમાં દાખલ રહે ત્યાં સુધી તેમનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે રોજબરોજ નિદાન કરીને કાઉન્સેલિંગ અને દવાઓ સાથેની સારવાર આપવામાં આવે છે

સ્મીમેરના સાયકિયાટ્રી વિભાગના વડા અને પ્રોફેસર ડો.પરાગ શાહ જણાવે છે કે, સામાન્ય લક્ષણમાં દર્દીઓને ઊંઘ ન આવવી, ગભરામણ, બેચેની, ઓક્સિજન માસ્કમાંથી શ્વાસ કંઈ રીતે લેવો એની મુંઝવણ, કોરોના સામે જંગ જીતીશ કે નહિ?,પરિવાર સ્વસ્થ હશે કે નહિ, કોવિડ વોર્ડનું એકલતાભર્યો માહોલ જોઈને નિરર્થક વિચારો સતત આવ્યા કરે છે.

અમુક ખાસ દર્દીઓમાં ગંભીર ચિંતા રોગના લક્ષણો જોવા મળે છે. વ્યસન પર અવલંબિત વ્યક્તિને વ્યસન ન મળતાં શારિરીક અને માનસિક અસ્વસ્થતા અનુભવે છે યોગ્ય સમયે માનસિક તણાવ,ચિંતાઓ અને ઉદાસીન લક્ષણોનું સચોટ નિદાન કરી યોગ્ય સારવાર આપવાથી દર્દી કોવિડની બિમારીનો સામનો કરવામાં સકારાત્મક વલણ અપનાવે છે.

યોગ્ય કાઉન્સેલિંગ અને મોટિવેશનથી મોટાભાગના દર્દીઓમાં આ ચિંતા, તણાવ અને નકારાત્મકતા અને એકલતાના લક્ષણો ટુંક સમયમાં ઓછા થઇ જતાં હોય છે.

ડો. પરાગ શાહ વધુમાં કહે છે કે, હાલમાં છેલ્લા બે અઠવાડિયામાં કોરોના દર્દીની સખ્યાંમાં નોંધપાત્ર વઘારો જોવા મળ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં દાખલ દર્દીમાં દર 100 દર્દીએ 30 થી 35 દર્દીને ઊંઘની સમસ્યા, 35 થી 40 દર્દીઓને કોવિડ બિમારી સંબંધિત ચિંતા રોગના લક્ષણો તથા 3 થી 5 દર્દીઓને ગંભીર માનસિક રોગના લક્ષણો મેન્ટલ હેલ્થ સ્ક્રીનીંગ દરમિયાન જોવા મળે છે.

મેન્ટલ હેલ્થ સ્ક્રીનિંગ ટીમમાં ડો. પરાગ શાહ સહિત એસો.પ્રો. ડો.ફાલ્ગુની ચૌધરી, આસિ. પ્રો.ડો. નિધિ દોશી તેમજ જૂ. રેસિ. તબીબો ડો. રૂચિ હોવી, ડો.દર્શના પટેલ, ડો.અનંત ચાંગેલા, ડો.કેનિલ જાગાણી, ડો.મલ્લિકા સિંઘ જવાબદારી સંભાળી રહ્યાં છે.

 

સ્મીમેરના કોવિડ વોર્ડમાં સુરતના 65 વર્ષિય સિનિયર સિટીઝન દર્દી દાખલ થયા, માનસિક સ્ક્રીનીંગ દરમિયાન એમનામાં તણાવના લક્ષણો જાણાયા. સાઈકિયાટ્રી ટીમને ફરજ પરના તબીબો અને નર્સ પાસેથી જાણવા મળ્યું કે દર્દી વારંવાર માસ્ક કાઢી નાંખતા હોવાથી ઓક્સિજન લેવલ જળવાતું ન હતું.

દર્દી પલંગ પર ઉભા થઈ જઈ ઘરે જવાની જિદ્દ કરતાં હતા. ગુસ્સે થઈને પરિવારનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી માનસિક વિભાગના તબીબો દ્વારા એમના પરિવારનો સંપર્ક કરી વાત કરતા જાણવા મળ્યું કે ‘આ દર્દી 5 થી 6 મહિના પહેલા દિકરાના ઘરે સુરત રહેવા આવ્યા હતા. ક્યારેય એકલા હોસ્પિટલમાં ગયા નથી કે દાખલ થયા હોય તો એકલા રહ્યાં નથી.

જ્યારે એમને હોસ્પિટલ લાવ્યા ત્યારે એ હોસ્પિટલ જવાની ના કહેતા હતા. એમને ચિંતા હતી કે ‘એકલો કેવી રીતે રહીશ?, ધ્યાન કોણ રાખશે?, દવાઓ સમયસર કોણ આપશે, મને ડોક્ટર સાથે વાત કરતા નહિ ફાવે.’ આ બધી ચિંતાઓ દર્દીએ પરિવારજનો સાથે આ પહેલા વ્યક્ત કરી હતી.

તેમને એવું લાગે છે કે મારા પુત્રો, પરિવારજનોને મારા પ્રત્યે કોઈ લાગણી નથી રહી. તેઓ મને મળવા પણ આવતા નથી, આવી ગેરસમજના લીધે હાલમાં દર્દી પોતાના પરિવારથી નારાજ હોવાથી ફોન પણ ઉપાડતાં ન હતા.

આ દર્દીની માનસિક રોગના તબીબોએ તપાસ કરી. ચિંતા અને ગુસ્સાનું કારણ જાણી તેમની માનસિક સ્થિતિનું સચોટ નિદાન કરી દવા અને કાઉન્સેલિંગ સાથેની સારવાર શરૂ કરવામાં આવી ત્યારબાદ વિડિયો કોલ પર પરિવાર સાથે 2 થી 3 દિવસ વાત કરાવી. જેના કારણે તેમના વર્તનમાં સુધાર જણાયો.

ત્યારબાદ દર્દી સ્વૈચ્છિક રીતે હોસ્પિટલમાં રોકાવા તૈયાર થયા, અને તબીબી સ્ટાફને સારવારમાં સહયોગ આપવા લાગ્યા. ઓક્સિજન માસ્કને જાતે જ પહેરતા, મોં પરથી દૂર ન થાય એની કાળજી રાખવા લાગ્યા. પરિવારની ચિંતા હળવી થઈ.

તબીબોએ કોવિડની સારવાર સાથે ચિંતા તણાવની સારવાર કરવામાં સફળતા મળી ને ગણતરીના દિવસોમાં સિનિયર સિટીઝન દર્દી સ્વસ્થ થઈ જતાં રજા આપવામાં આવી હતી.

(8:58 pm IST)