Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની તક છેલ્લા બે દશકમાં વધી ગઈ છે

યુનિવર્સિટીઓની સંખ્યા વધીને ૫૦ થઈ ગઈ : વિશ્વ વિદ્યાલયો વચ્ચે બાળકો મેળવવા સ્પર્ધા : નવા નવા અભ્યાસક્રમો પણ આવ્યા : અભ્યાસ બાદ નોકરીની તકો

અમદાવાદ,તા.૧૧ : ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દસકામાં ઉચ્ચ શિક્ષણની તકો વધી છે. વિશ્વ વિદ્યાલયો એટલે કે યુનિવર્સિટીઓની સંખ્યા પણ ૪૦ને આંબી ગઈ છે. વિશ્વ વિદ્યાલયો વચ્ચે બાળકો મેળવવા સ્પર્ધા જામી રહી છે. નવા નવા અભ્યાસક્રમો આવી રહ્યા છે. આ તરફ બેઠકો વિદ્યાર્થી ન મળવાને પરિણામે ખાલી પડી રહી છે. સાધનોનો વ્યય થઈ રહ્યો છે. કાઉન્સિલો દ્વારા અપાયેલી બેફામ મંજુરીઓને પરિણામે ઉચ્ચ શિક્ષણની પવિત્રતામાં ઝાંખય આવી ગઈ છે. પીટીસીની કોલેજોનો રાફડો ફાટ્યો હતો. આજે આખીયે વિદ્યાશાખા વ્યવસ્થા પડી ભાંગી છે. બીએડ, ફાર્મન્સીના હાલ પણ આ થયા છે. ધો.૧૨ પછી તકનીકી શિક્ષણ આપતી એન્જીનિયરીંગ કોલેજોની ૩૦થી ૪૦ ટકા બેઠકો ખાલી પડી રહે છે. ડિપ્લોમાના પણ આ હાલ થયા છે. ધો.૧૨ સાયન્સના તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં માત્ર કેમેસ્ટ્રી વિષયમાં ૩૩,૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પાસ થયેલાને પોતાના તરફ ખેંચવા ખાનગી યુનિવર્સિટીઓ અને સરકારી યુનિવર્સિટીઓ પડાપડી કરે છે. ગુજરાત સહિત દેશમાં માનવશક્તિ આયોજનનો અભાવ જોવા મળે છે. મેડિકલ અને પેરામેડિકલના પ્રવેશ ઓકટોબર સુધી ચાલે છે. આ પ્રવેશનો વિલંબ સાયન્સ કોલેજોમાં પ્રથમ સેમેસ્ટરનું કચુંબર કરી નાંખે છે. ૧૦૦ વિદ્યાર્થીની ક્ષમતાવાળા વર્ગખંડમાં ૨૦૦ વિદ્યાર્થી ભરાઈ જાય છે. ઉચ્ચ શિક્ષણની આ સ્થિતિના સંદર્ભમાં ગુજરાત યુનિવર્સિટીના ઉપ કુલપતિ અને શિક્ષણ  ડૉ. જગદીશ ભાવસારને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે દેશમાં કાર્યરત કાઉન્સિલોએ નવી કોલેજોની મંજુરી ઉપર કંટ્રોલ કરવો જોઈએ. દેશની  ભાવિ પેઢીના ઘડતર માટે જરૂરી લાયકાતવાળા શિક્ષણ મળે, શાળાઓને  સાયન્સ કોલેજો, આર્ટ્સ વિદ્યાશાખા તરફનું સમાજનું વલણ વધે તે માટેના નક્કર પ્રયાસ કરવા જોઈએ. શિક્ષણના વ્યવસાયને વધુ ગૌરવવંતો બનાવવો જોઈએ. આ તરફ ડૉક્ટરો, એન્જીનિયરો થયા પછી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ આર્ટ્સના વિષય રાખે છે. આર્ટ્સની કોલેજો અને શિક્ષણ તરફનું વલણ વધુ થાય તે માટે ૧૧-૧૨માં આર્ટ્સ, વિભાગને કાર્યરત કરવા જોઈએ. ભાષા શિક્ષક સમાજ વિજ્ઞાન શિક્ષક માટે આર્ટ્સ જરૂરી છે. સમાજને પોતાના સંતાન મેડિકલ, પેરામેડિકલ માટે સક્ષમ હોય તો સાયન્સ કોલેજની બેઠક ન બગાડવા અનુરોધ કર્યો છે. આ તરફ આર્ટ્સ વિદ્યાશાખા તરફનું સમાજનું વલણ બદલવા જાગૃતિ માટેના પ્રયાસો સૌને કરવા અપીલ કરી છે.

(9:23 pm IST)