Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

કપડવંજના મુવાડીમાં ઉછીના પૈસા આપવા બાબતે મિત્રએ ધારિયાથી હુમલો કરતા પોલીસ ફરિયાદ

કપડવંજ: તાલુકાના ઉંડાની મુવાડીમાં મુશ્કેલમાં મૂકાયેલા મિત્રને રૂપિયા પાંચ હજાર ઉછીના આપ્યાં હતાં. તે રૂપિયા પરત માંગતાં મિત્ર એ જ મિત્રને ધારીયાથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 
આ અંગે મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના ઉંડાની મુવાડી ગામમાં રહેતાં મનીષભાઈ રમભાઈ પરમારે ગામમાં જ રહેતાં તેમના મિત્ર કલ્પેશભાઈ બાબુભાઈ પરમારને રૂપિયાની જરૂર પડતાં પાંચ હજાર રૂપિયા ઉછીના આપ્યાં હતાં. રૂપિયા આપ્યે ઘણો સમય વિત્યા બાદ મનીષભાઈએ આપેલ રૂપિયા પરત માંગવાના શરૂ કર્યાં હતાં. જો કે રૂપિયા પરત આપવાને બદલે કલ્પેશ છેલ્લાં કેટલાય દિવસોથી માત્ર વાયદાઓ કરી રહ્યો હતો. ગુરૂવારના રોજ રૂપિયા માંગવા માટે મનીષભાઈ તેના ઘરે ગયાં તો કલ્પેશે સાંજે રૂપિયા આપીશ તેમ કહી વધુ એક વાયદો કર્યો હતો. ત્યારબાદ રાત્રીના સમયે લગ્નપ્રસંગમાં બંને જણાં ભેગાં થતાં કલ્પેશ પાસે મનીશભાઈએ રૂપિયાની માંગણી કરી હતી. જેથી કલ્પેશ રૂપિયા આપવાનું કહી મનીષભાઈને તેના ઘરે લઈ ગયો હતો. ત્યાં પહોંચેલા મનીષભાઈ સાથે કલ્પેશભાઈ પરમાર, તેમની માતા કંકુબેન પરમાર, બહેન નિતાબેન પરમાર અને ભાઈ ચેતનભાઈ પરમારે ઝઘડો કરી ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. અને ઉશ્કેરાઈ ગયેલ કલ્પેશ ઘરમાંથી ધારીયુ લઈ આવી મનીષભાઈના માથામાં મારી ઈજા પહોંચાડી હતી. 

(5:29 pm IST)