Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

અમદાવાદની VS હોસ્પિટલમાં ૨ મહિલાના મૃતદેહોની અદલા-બદલી બાદ મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા ફરીથી પોસ્ટમોર્ટમ

અમદાવાદ: અમદાવાદની વીએસ હોસ્પિટલમાં બે મહિલાઓની લાશની અદલા-બદલી થઇ જતા તંત્રની બેદરકારી સામે આવી હતી. જેને લઇ બંને મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે, મિત્તલ જાદવના મૃતદેહની જગ્યાએ નસરીનબાનુનો મૃતદેહ દફનાવાઇ દેવતા ધાર્મિક લાગણી દુભાઈ છે. તો આ મામલે નસરીનબાનુના પરિવારજનોની મૃતદેહની માગ સાથે એડવોકેટ શમશાદ પઠાણ દ્વારા દાણીલીમડાના પીઆઇ એચ.એસ.ચાવડાને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જેમાં નસરીનબાનુના પીએમની વિડિઓગ્રાફી સ્વજનોની હાજરીમાં કરવાની માગ કરી છે. તો બીજી બાજુ મિત્તલ જાધવના સ્વજનો દ્વારા પણ મિત્તલના પીએમ રિપોર્ટ જાહેરમાં કરવા માગ કરી છે. હાલ મૃતક મિત્તલ અને નસરીનબાનુનો મૃતદેહ વિએસ હોસ્પિટલના પીએમ રૂમમાં જ છે અને આજે બંને મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા ફરી પીએમ કરવામાં આવશે.

વાત કઈ એમ છે કે બાવળામાં થયેલ મિત્તલ જાદવની હત્યાના કેસમાં મિત્તલની લાશ વીએસ હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજ રૂમમાં હતી. ત્યારે વીએસમાં જ દાણીલીમડાની નસરીનબાનુ નામની એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે મહિલાનું પ્રસૂતિ પહેલાં જ ગુરુવારે મોત નિપજ્યું હતું. નસરીનબાનુનો મૃતદેહ કર્ણાટક મોકલવાનો હોવાથી કોલ્ડસ્ટોરેજમાં મૂકવામાં આવ્યો હતો. જ્યારે મિત્તલ જાધવનો મૃતદેહ સ્વીકારવા તેના પરિવારજનો આવ્યા ત્યારે મિત્તલના બદલે હોસ્પિટલના કર્મચારીઓએ નસરીનબાનુનો મૃતદેહ સોંપી દીધો અને મિત્તલના પરિવારજનોએ તેના મૃતદેહ લઈને તેની દફનવિધિ પણ થઇ ગઇ હતી.

તો બીજી બાજુ નસરીનબાનુના પરિવારજનો વીએસ હોસ્પિટલ પહોંચ્યા હતા અને કોલ્ડસ્ટોરેજમાં નસરીનબાનુનો મૃતદેહ ન જોતાં તેઓ રોષે ભરાયા અને હલ્લાબોલ કર્યો હતો. શરૂઆતમાં એવી વાતો થઈ કે કોલ્ડસ્ટોરેજમાંથી મૃતદેહ લાપતા થઈ ગયો અને તે મૃતદેહ ગયો તો ક્યાં ગયો. પરંતુ પછી હકીકત સામે આવી કે નસરીનબાનુનો મૃતદેહ તો મિત્તલ જાધવના પરિવારજનોને સોંપાઈ ગયો છે. તંત્રની બેદરકારી સામે રોષે ભરાયેલા નસરીનબાનુના પરિવારજનોએ વીએસ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહની માગ કરી હતી.

ત્યારબાદ મૃતક નસરીનબાનુ મામલે એડવોકેટ શમશાદ પઠાણ દ્વારા દાણીલીમડાના પીઆઇ એચ.એસ.ચાવડાને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પીઆઇ ચાવડાએ વીએસ હોસ્પિટલ પીએમ રૂમ ખાતે લેખિત ફરિયાદ સ્વીકારી હતી. જેમાં દાણીલીમડાના અર્બન હેલ્થ સેન્ટરના કર્મીઓ તેમજ વીએસ હોસ્પિટલના આર.એમ.ઓ. સહિત જવાબદાર કર્મીઓ સામે ફરિયાદ નોંધવાની માગ કરી હતી. તો આ સાથે એડવોકેટ શમશાદ પઠાણે ફરિયાદમાં એવું પણ જણાવ્યુ હતું કે, નસરીનબાનુનો મૃતદેહ મિત્તલના સ્વજનોને આપી દેવતા ધાર્મિક લાગણી દુભાઈ છે, તો ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધવા પણ માગ કરી હતી.

જો કે, શમશાદ પઠાણ દ્વારા નસરીનબાનુનો પીએમ રિપોર્ટની વિડિઓગ્રાફી સ્વજનની હાજરીમાં કરવાની માગ પણ કરવામાં આવી છે. ત્યારે પીઆઇ ચાવડાએ નસરીનબાનુના મૃતદેહનું પેનલ ડોકટરો દ્વારા ફરીથી પીએમ કરવામાં આવશે તેની ખાતરી આપી હતી. તો બીજી બાજુ મિત્તલ જાધવના સ્વજનો દ્વારા પણ મિત્તલના પીએમ રિપોર્ટની જાહેરમાં કરવા માગ કરી છે. જો કે, નસરીનના મૃતદેહને ધોલેરામાં હિંદુ વિધિથી દફનાઇ દેવામાં આવ્યો હતો. તેને પોલીસે બહાર કાઢી નસરીનબાનુના પરિવારજનોને સોંપ્યો હતો. હાલ મૃતક મિત્તલ અને નસરીનબાનુનો મૃતદેહ વિએસ હોસ્પિટલના પીએમ રૂમમાં જ છે અને આજે બંને મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા ફરી પીએમ કરવામાં આવશે.

(4:42 pm IST)