Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ચલો ઉમંગ સે પઢને ચલે હમ, પઢ-લિખ કર ગુલાબ કા ફુલ બને હમ...

જુનમાં શાળા પ્રવેશોત્સવ : લાંબા સમયથી ગેરહાજર છાત્રોને શોધીને પુનઃ પ્રવેશ અપાશે

માત્ર નામ દાખલ થઇ જાય એટલુ પૂરતુ નહિ, નિયમિત અભ્યાસ પર પણ ભાર

રાજકોટ, તા. ૧૧ : ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખૂલતા વેકેશને સરકારી પ્રાથમિક શાળાઓમાં યોજાતો શાળા પ્રવેશોત્સવ આ વખતે જુન મધ્યે શહેર અને ગ્રામ્ય કક્ષાએ અલગ અલગ યોજનાર છે. રાબેતા મુજબના શાળા પ્રવેશોત્સવમાં આ વખતે શિક્ષણલક્ષી થોડા ફેરફારો આવી રહ્યા છે.

શિક્ષણ ક્ષેત્રના વર્તુળોના જણાવ્યા મુજબ વેકેશન ખુલ્યા પછી પ્રથમ અઠવાડીયામાં પ્રાથમિક  શાળાઓમાં ધોરણ ૧ માં બાળકોને પ્રવેશ અપાવવા ઉત્સવ ઉજવાશે. વાલીઓ પોતાના બાળકોને શાળામાં દાખલ કરે તે માટે સરકારી તંત્ર પ્રજાના સહયોગથી પ્રયાસ કરશે. માત્ર શાળામાં નામાંકન થઇ જાય એટલું પુરતુ નથી તે બાબત ધ્યાને રાખીને સરકારે બાળકોની નિયમીત હાજરી પર પણ ભાર મુકયો છે. તેેને અનુલક્ષીને શાળા પ્રવેશોત્સવ પ્રક્રિયામાં ફેરફારો આવી રહયા છે. ધો.૧ માં બાળકોને દાખલ કરવા ઉપરાંત ભુતકાળના વર્ષોમાં નામાંકન કર્યા પછી પ્રાથમિક ધોરણોના બાળકો શાળામાં અનિયમીત હાજરી આપતા હોય તેને શોધીને નિયમીત હાજરી આપતા કરવા માટે સરકાર ખાસ પ્રકારના પ્રયત્નો કરવા માંગે છે. શાળાના રેકોર્ડ ઉપર બાળકનું નામ વિદ્યાર્થી તરીકે યથાવત હોય પરંતુ તેની લાંબા સમયની અથવા અવાર-નવારની ગેરહાજરી હોય તો તેવા બાળકોને શોધીને ફરી નિયમીત ભણતા કરવા સરકાર પ્રયાસ કરવા માંગે છે. બાળકોની શિક્ષણ તરફ રૂચી વધારવા માટે સરકાર કોઇ પ્રોત્સાહક પગલા ભરે તેવી શકયતા છે.

(3:47 pm IST)