Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

મા અમૃતમ તથા આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને નિઃશુલ્ક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સારવાર : વિજયભાઇ રૂપાણીની જાહેરાત

હવેથી ની-રિપ્લેસમેન્ટ અને હીપ-રિપ્લેસમેન્ટનું ખર્ચાળ ઓપરેશન મફતમાં કરાવી શકશે : નાગરિકોના સ્વાસ્થ્ય માટે વધુ સુવિધા ઉપલબ્ધ બનાવતી રાજ્ય સરકાર

ગાંધીનગર તા. ૧૧ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારની સૌથી લોકપ્રિય સાબિત થઈ રહેલી મા અમૃતમ અને વાત્સલ્ય યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. હવેથી અમૃતમ-આયુષ્માન કાર્ડનાં લાભાર્થીઓને ગંભીર રોગો ઉપરાંત ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની વત્તા પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટની સારવાર પણ નિઃશુલ્ક મળશે. આ કાર્ડ ધરાવનારા દરેક નાગરિકોને ગુજરાત સરકારની નોંધાયેલી કુલ ૩૧૧૦ સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં આંખના રોગ, કાનની તકલિફો, નાક અને ગળાના રોગ,  સ્ત્રી રોગ, હૃદયરોગ, માનસિક રોગ, કીડનીની બીમારીઓ, મગજના રોગ, ગંભીર ઈજાઓ, નવજાત શિશુઓને લગતા ગંભીર રોગ, કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટની સારવાર તથા કિડની અને લિવરના રિપ્લેસમેન્ટની રૂ. ૫ લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે. તેવી જાહેરાત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કરી છે.

ઘૂંટણનાં દુઃખાવા તથા ઘૂંટણના ઘસારાના કારણે પીડાતા દર્દીઓ દરેક ઘરમાં જોવા મળે છે. ની-રિપ્લેસમેન્ટ અને હીપ-રિપ્લેસમેન્ટ મોંઘી સારવાર હોવાથી ગરીબ પરિવારના લોકો તેનું ઓપરેશન કરાવી શકતા નથી. આથી ઘણા દર્દીઓ ઘૂંટણનો અસહ્ય દુઃખાવા સહન કર્યા કરે છે અને ટૂંકાગાળાની રાહત મેળવવા પેઈનકીલર દવાઓ લીધા કરેઙ્ગ છે. જે દવાઓ લાંબાગાળે કિડની ઉપર ખરાબ અસર કરે છે. આવા ઘૂંટણનાં દુઃખાવાથી પીડિત ગરીબ પરિવારનાં દર્દીઓ માટે ખુશીની ખબર એ છે કે, ગુજરાતનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમૃતમ-આયુષ્માન કાર્ડ ધરાવનાર લાભાર્થીઓને નિઃશુલ્ક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સારવાર આપવાનો નિર્ણય કર્યો છે. હવેથી ઘૂંટણની તકલિફ ધરાવતા કોઈપણ દર્દી ની-રિપ્લેસમેન્ટ અને હીપ-રિપ્લેસમેન્ટ ઓપરેશન વિનામૂલ્યે કરાવી શકશે. મતલબ કે, હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને ડોકટર ઓપરેશન કરી લીધા બાદ ઘર જવાની રજા આપે ત્યાં સુધીનો તમામ ખર્ચ, હોસ્પિટલમાં રહેવાનો-જમવાનો ચાર્જ અને હોસ્પિટલમાંથી દર્દી રજા લઈ ઘરે પહોચી જાય એ માટેનું મુસાફરી ભાડું સંવેદનશીલ રૂપાણી સરકાર ઉઠાવશે. તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

ઘૂંટણ અને થાપાના ઓપરેશનનો સામાન્ય હોસ્પિટલમાં એકથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થતો હોવાથી મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારનાં લોકો આ પ્રકારનાં મોંઘાદાટ ઓપરેશન કરાવી શકતા નથી. પરંતુ હવેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મા કાર્ડ ધરાવતા લાભાર્થીઓ માટે રાહતના સમાચાર આપતા નિર્ણય લીધો છે કે, ની-રિપ્લેસમેન્ટ (ઘૂંટણ પ્રત્યારોપણ) તથા હીપ-રિપ્લેસમેન્ટ (થાપા પ્રત્યારોપણ) ઓપરેશન તદ્દન નિઃશુલ્ક કરાવી શકશે. નાગરીકોના સ્વાસ્થ્ય માટે વધુ સુવિધા ઉપલબ્ધ બનાવતી સંવેદનશીલ સરકાર દ્વારા અમૃતમ-આયુષ્માન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને ની-રિપ્લેસમેન્ટ અને હીપ-રિપ્લેસમેન્ટનું ખર્ચાળ ઓપરેશન મફતમાં કરાવી શકશે તે અંગે લેવામાં આવેલો નિર્ણય આવકારદાયક છે.

(2:13 pm IST)