Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

એ પોલીસમેનની જાનમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માંડીને ર૦૦થી વધુ પોલીસનો કાફલો આ માટે જોડાયેલો

રાજય સરકારે 'વિજય' મુહુર્તના બદલે કમુર્તામાં શપથવિધિ કરી છે કે શું? એક સાંધે ત્યાં તેર તુટે જેવું: સમસ્યા રૂપી ભોમાંથી ભાલા ઉભા થતા જ રહે છે : મુખ્યમંત્રીના જીલ્લામાં દલીત યુવાનને વરઘોડો ન કાઢવા ધમકીનો પ્રશ્ન પુર્ણ થાય તે પહેલા પ્રાંતીજ પંથકમાં ખુદ કોન્સ્ટેબલને વરઘોડો કાઢતા અટકાવતા ધમાસાણ

રાજકોટ, તા., ૧૧: ગુજરાત સરકારે જાણે વિજય મુહુર્તના બદલે કાળ મુહુર્તમાં શપથવિધિ કરી હોય તેમ એક પછી એક શિરદર્દ સમી સમસ્યાઓ ભો માંથી ભાલા નિકળે તે રીતે ઉભી થઇ રહી છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં લોકસભાની ચુંટણીનું મતદાન પુર્ણ થયું છે. જો મતદાન પુર્ણ ન થયું હોત તો રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત દોડી આવત. હાલમાં જેમ સમસ્યા ઉભી થઇ છે તે એ પ્રકારની છે કે દલીત સમાજના યુવાનોના લગ્ન પ્રસંગે વરઘોડા ન કાઢવા માટે ધમકી અપાયાની બે ફરીયાદ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા રાજકારણીઓ ધંધે લાગી ગયા છે.

આ પૈકીની મહેસાણા પંથકના કડીના લ્હોર ગામના દલીત યુવાને પોતાના લગ્ન પ્રસંગે વરઘોડો ન કાઢવા માટે ફરીયાદ કરી છે તે  મતક્ષેત્ર  અર્થાત જીલ્લો નાયબ મુખ્યમંત્રીનો છે. નાયબ મુખ્યમંત્રી તથા ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. અહી તો સામાજીક બહિષ્કાર જેવો પ્રશ્ન ઉપસ્થિત થયેલ પુર્ણપણે મામલો સુલટાયો નથી.

રાજય સરકાર હજુ આ મામલો સુલટાવે તે પહેલા જ સાબરકાંઠાના પ્રાંતીજ પંથકમાં  એક દલીત યુવાનના લગ્નનો વરઘોડો ન કાઢવા માટે ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા ધમકી અપાયાના આરોપસરની ફરીયાદ અન્વયે  એ યુવાનની જાનમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટથી લઇ સિનીયર પોલીસ અધિકારીઓ સહિતનો ર૦૦ પોલીસ જવાનો જાનમાં સામેલ થયા હતા. નવાઇની વાત એ છે કે જે દલીત યુવાનના લગ્ન હતા તે પોતે પણ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.  આ યુવાનનું નામ સંજય રાઠોડ છે.

ઉકત બાબતે સાબરકાંઠાના જીલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલીકે ફરીયાદ મળતાની સાથે જ એ યુવાનના લગ્નના વરઘોડામાં કોઇ જાતની તકલીફ ન રહે અને કાયદો વ્યવસ્થા નો જોખમાય તે રીતે પોલીસ કાફલો ઉતારી દીધો હતો. એસપી ચૈતન્ય માંડલીક માને છે કે દરેક લોકોને પોતાના તહેવારો કે પ્રસંગો સારી રીતે ઉજવવાનો અધિકાર છે. આવો અધિકાર છીનવવાનો કોઇને હકક નથી. તેઓએ દલીત પરીવારને વરઘોડો કાઢતા સમયે કોઇ મુશ્કેલી નહિ રહે તેવી ખાત્રી પણ આપી હતી. આમ ઘટનાઓ ચર્ચાસ્પદ બની છે.

દરેક લોકોને ઉજવણી કરવાનો અધિકારઃ આ હક્ક કોઇ છીનવી શકે નહિ : એસપી સાબરકાંઠા ચૈતન્ય માંડલીક

રાજકોટઃ સાબરકાંઠાના પ્રાંતીજ પંથકમાં ખુદ દલીત પોલીસમેનના લગ્ન પ્રસંગે તેમને વરઘોડો કાઢતા રોકવાના પ્રયાસ સામે એેસપી સાબરકાંઠા ચૈતન્ય માંડલીકે લોખંડી બંદોબસ્ત વરઘોડામાં રાખ્યો હતો. તેઓ દ્રઢપણે માને છે કે દરેકને ઉજવણી કરવાનો અધિકાર છે. આ હક્ક છીનવવાનો કોઇ પણને અધિકાર નથી.

(2:08 pm IST)