Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

બિટકોઇન : સીઆઇડી ક્રાઇમ વડા તેમજ ડીજીપીને બોલાવ્યા

ગૃહવિભાગ તરફથી સૂચના અપાયાની ચર્ચા : ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવના નેતૃત્વમાં યોજાયેલી બેઠક ૪૫ મિનિટ ચાલી : કોટડિયાની ધરપકડના સંકેત

અમદાવાદ,તા. ૧૧ : ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બીટકોઇન કૌભાંડ મામલે આજે રાજયના ગૃહવિભાગ દ્વારા સીઆઇડી ક્રાઇમના વડા અને ડીજીપી શિવાનંદ ઝાને બોલાવવામાં આવ્યા હતા. ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવના નેજા ેહેઠળ ૪૫ મિનિટ સુધી મહત્વની બેઠક ચાલી હતી. જેમાં સરકાર તરફથી તપાસનીશ એજન્સીને હવે કડક તપાસ અને નાસતા ફરતા આરોપીઓની ધરપકડ માટે અંદરખાને સૂચના અપાઇ હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે. બીજીબાજુ, ફરિયાદી શૈલેષ ભટ્ટે આજે ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના આક્ષેપોને ફગાવતાં જણાવ્યું હતું કે, તે પિયુષ સાવલિયાને ઓળખતા નથી અને તેમણે કોેઇની પાસેથી બિટકોઇન પડાવ્યા નથી. હું તમામ તપાસનો સામનો કરવા તૈયાર છું. તો આજે સીઆઇડી ક્રાઇમની જુદી જુદી ટીમોએ કોટડિયાના વતન અમરેલીમાં ધામા નાંખ્યા છે અને તેમની ગમે તે ઘડીયે ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. દરમ્યાન આ કેસમાં નવા ડેવલપમેન્ટમાં બિટકોઇન કાંડમાં જયારે ફરિયાદી શૈલેષ ભટ્ટનું જે કારમાં અપહરણ કરાયું તેના ડ્રાઇવરની ઓળખ પરેડ આજે ગાંધીનગર મામલદાર ઓફિસ ખાતે કરવામાં આવી હતી. દરમ્યાન સીઆઇડી ક્રાઇમે આ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધી ૧૧૯ બિટકોઇન જપ્ત કર્યા છે પરંતુ હજુ ૨૩ જેટલા બિટકોઇન મળી આવતાં નથી, તેથી તે કયા ડિજિટલ વોલેટમાં છે, તેની તપાસ સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ ચલાવી રહ્યા છે. બિટકોઇન મામલે રાજયના ગૃહવિભાગ સાથે સીઆઇડી ક્રાઇમના વડા અને ડીજીપીની બેઠક પણ ઘણી મહત્વની મનાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કેસ પર ગૃહવિભાગ સીધું નજર રાખી રહ્યું છે. બિટકોઈન કૌભાંડ પ્રકરણમાં નલિન કોટડિયાએ તાજેતરમાં જ એક વધુ પત્ર સીઆઇડીને મોકલી પોતાની હત્યા થવાની દહેશત

વ્યક્ત કરી હતી અને સાથે સાથે એવો ગંભીર આરોપ લગાવ્યો છે કે, આ કેસના મૂળ ફરિયાદી શૈલેષ ભટ્ટ સાથે રાજકીય મોટું માથુ સંકળાયેલું છે. તેમનું નામ તે વખત આવે જાહેર કરશે. તેમને સમાજ સજા કરશે.  કોટડિયાએ ફરિયાદી શૈલેષ ભટ્ટ પર સીધો આરોપ લગાવ્યો હતો કે, તેણે ધવલ પટેલ અને પિયુષ સાવલિયાનું અપહરણ કરાવી તેમની પાસેથી બિટકોઇન પડાવ્યા હતા. જો કે, આ આરોપોને આજેફરિયાદી શૈલેષ ભટ્ટે નકાર્યા હતા અને  કોઇપણ તપાસ માટે તૈયાર હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો. બીજીબાજુ, કોટડિયાએ પોતાના કામથી રાજય બહાર હોવાનો હવાલો આપી તા.૧૨મીએ સામેથી સીઆઇડી સમક્ષ હાજર થશે તેવો જે દાવો રજૂ કર્યો હતો, તેની મહેતલ પણ આજે પૂરી થતી હોઇ સીઆઇડી ક્રાઇમની જુદી જુદી ટીમોએ કોટડિયાના વતન અને નિવાસસ્થાને ધામા નાંખ્યા હતા. જે જોતાં હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ગમે તે ઘડીયે ધરપકડ થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. 

(8:17 pm IST)