Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

અમદાવાદના ભદ્ર પ્લાઝામાં ફેરીયાઓને ગેરકાયદે બેસતા અટકાવવા અમદાવાદ કોર્પોરેશન દ્વારા પે અેન્ડ પાર્કિંગની વ્‍યવસ્‍થા

અમદાવાદઃ ટ્રાફિકથી ધમધમતા અમદાવાદના ભદ્ર પ્‍લાઝા કોમ્‍પલેક્ષમાં ફેરીયાઓને ગેરકાયદે બેસતા અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા પે અેન્‍ડ પાર્કિંગ વ્‍યવસ્‍થા શરૂ કરાઇ છે.

રાહદારીઓ માટેની જગ્યા ગણાતા ભદ્ર પ્લાઝામાં મોટી સંખ્યામાં ફેરિયાઓ ગેરકાયદેસર રીતે વેપાર કરતા હતા. AMCના મતે, આ પ્રકારની વ્યવસ્થાથી પ્લાઝાનો મોટા ભાગનો હિસ્સો ફેરિયાઓથી મુક્ત થશે અને આ જગ્યાનો સારો ઉપયોગ થઈ શકશે. AMCએ આ સ્થળ પર પાર્કિગ ચાર્જિસના બેનર લગાવતાં જ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો.

ફેરિયા કે.એ.મનસૂરીએ કહ્યું કે, “AMCએ બળજબરીપૂર્વક અહીંથી ફેરિયાઓને હટાવ્યા છે જેના કારણે તેમની રોજગારી પર અસર પડી છે. જિલ્લા પંચાયત અને રીલિફ રોડ પર પણ પાર્કિંગની જગ્યા આપેલી છે. હવે આ પગલાં બાદ જે લોકોએ રોજગારી ગુમાવી છે તે ગુનાખોરીમાં સંડોવાય તેવી શક્યતા છે.અન્ય એક ફેરિયા અલી હૈદર પોખરે કહ્યું કે, “AMCના આ પગલાંએ રમજાનની અમારી ખુશીઓ બગાડી છે. હવે અમારે રોજના ખર્ચા પૂરા કરવાના પણ ફાંફા પડશે.

કોંગ્રેસના લઘુમતી કોમના સભ્ય ઉમર ખાને કહ્યું કે, “આ ફેરિયાઓને વેપાર કરવાની મંજૂરી કારંજ પોલીસ સ્ટેશનની બહાર આવેલી ખાલી જગ્યામાં આપી શકાય. આ જગ્યા ભદ્રકાળી મંદિરની સામે જ આવેલી છે. રમઝાન દરમિયાન સાંજે 6થી રાત્રે 2 વાગ્યા સુધી ભરાતું રાત્રિ માર્કેટ ત્યાં ભરાશે તો ટ્રાફિક પણ નહીં સર્જાય અને ફેરિયાઓને રોજગારી પણ મળશે.

કારંજ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર એફ.એમ.નાયબે જણાવ્યું કે, “થોડા દિવસ પહેલાં અહીં વેપાર કરતાં ફેરિયાઓએ રેલી યોજી હતી. એટલે જ્યાં સુધી આ મામલાનો ઉકેલ ન આવે ત્યાં સુધી અહીં પોલીસ તૈનાત રહેશે.

(5:44 pm IST)