Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

સુરતમાં તૈયાર થાય છે સ્મશાન, જ્યાં કોરોનાથી જીવ ગુમાવનારના થશે અંતિમ સંસ્કાર

સુરતમાં રાતો રાત એક નવું સ્મશાન તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ

સુરતમાં કોરોનાએ ભયજનક સપાટી કૂદાવી હોવાના કારણે લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. નિદાન, સારવારથી લઈ ઇન્જેક્શન મેળવવા સુધી તો હાડમારી ભોગવવી જ પડે છે પણ હદ તો ત્યારે થઈ કે મૃતદેહના અંતિમ સંસ્કારમાં પણ હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને કેન્દ્રમાં રાખી સુરતમાં રાતો રાત એક નવું સ્મશાન તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં માત્ર કોરોનાથી મૃત્યુ પામેલા મૃતદેહને અંતિમ સંસ્કાર આપવામાં આવશે.હાલમાં જે સ્મશાનગૃહ ચાલુ છે ત્યાં અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી રાહ જોવાનો વખત આવ્યો છે. ટોકન પદ્ધતિથી અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આટલું અધૂરું હોય તેમ એક સ્મશાન ગૃહમાં તો અંતિમ સંસ્કાર માટે પણ રૂ. 2 હજારની લાંચ લેવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ તમામ મૂસિબતમાંથી લોકોને મુક્ત કરવા માટે સુરત મહાનગર પાલિકા અને ભાજપ દ્વારા પાલ ખાતે બંધ સ્મશાન ગૃહને પુનઃ કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાલમાં સ્મશાન ગૃહ હતું તે 2006ના વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું હતું. હાલની કપરી સ્થિતિને ધ્યાને લઈ પંદર વર્ષ પછી આ સ્મશાન પુનઃ કાર્યરત કરવામાં આવી રહ્યું છે. જ્યાં વિશાળ મેદાન હોવાથી એક સાથે 40 મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ શકશે. આ સ્મશાન ગૃહમાં માત્ર અને માત્ર કોવિડ-19માં મોતને ભેટેલાઓના જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હોવાના કારણે સંભવતઃ એકાદ બે દિવસમાં આ સ્મશાનગૃહ કાર્યરત થઈ જશે.

(11:22 pm IST)
  • તેલંગણાની વીમા તબીબી સેવા અને રાજ્ય કર્મચારી વીમા વિભાગ સાથે સંકળાયેલા રૂ. 200 કરોડના કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે હૈદરાબાદમાં સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન આશરે 3 કરોડની રોકડ, આશરે 1 કરોડની કિંમતના ઝવેરાત, કોરા ચેક, પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ અને બેંકોના ઘણા લોકરો મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. આ દરોડા એક પૂર્વ પ્રધાન અને તેના અંગત સહાયકના સબંધીઓ પર પણ પાડવામાં આવ્યા હતા. access_time 11:56 pm IST

  • કોરોનાનો કહેર વધતા ઈરાનમાં 10 દિવસનું લોકડાઉન જાહેર: ઓફિસમાં તેના ત્રીજા ભાગના કર્મચારીઓની હાજરીનો આદેશ: તેહરાન અને દેશના 250 અન્ય શહેરો અને નગરોને ‘રેડ ઝોન’ તરીકે ઘોષિત કરાયા : તમામ ઉદ્યાનો, રેસ્ટોરાં, બેકરીઓ, બ્યુટી પાર્લરો અને મોલ્સ પણ લોકડાઉન હેઠળ આવશે.: શનિવારે ઈરાનમાં 19,600 થી વધુ નવા કેસ નોંધાયા : 193 દર્દીઓનાં મોત નીપજ્યાં access_time 12:56 am IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : તમામ રેકોર્ડ તૂટ્યા :કુલ મૃત્યુઆંક 1.70 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,57,028 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,35,12,493થઇ :એક્ટિવ કેસ 11,89,856 થયા : વધુ 68,748 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,21,47,081 થયા :વધુ 761 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,70,066 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 63,294 નવા કેસ ,ઉત્તર પ્રદેશમાં 15,276 કેસ, દિલ્હીમાં 10,774 કેસ અને કર્ણાટકમાં 10,250 કેસ નોંધાયા access_time 12:05 am IST