Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

ઇન્જેક્શન મામલે રાજકારણ ગરમાયુ : કોંગ્રેસના એકપણ કાર્યકર્તાએ સેવા કરી હોય તો બતાવો :ભાજપે પડકાર ફેંકયો

કોંગ્રેસની આલોચના કરવાની નીતિના કારણે જ પ્રજાએ તેમને દૂર કરી દીધાં છે. આ નીતિ ગુજરાતની પ્રજા સાંખી નહીં લે

અમદાવાદ : સુરતમાં 5 હજાર રેમડેસિવીર ઇજેંકશનનું વેચાણ કરવાના મામલે રાજકીય ગરમાવો આવી ગયો છે. ગઇકાલે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપો કર્યા હતા. તેનો આજે ભાજપના નેતાઓએ પલટવાર કર્યો હતો. ભાજપના મીડીયા સેલના કન્વીનર યજ્ઞેશ દવેએ તો કોંગ્રેસના એક પણ કાર્યકર્તાએ સેવા કરી હોય તો બતાવવા માટે પડકાર ફેંકયો હતો. ત્યાં સુધી કે કોંગ્રેસની આલોચના કરવાની નીતિના કારણે જ પ્રજાએ તેમને દૂર કરી દીધાં છે. આ નીતિ ગુજરાતની પ્રજા સાંખી નહીં લે તેમ જણાવ્યું છે. બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી આવતીકાલે તા. 12મી એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે ગુજરાતના રાજયપાલને કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને લઇને ચર્ચા કરશે.

ભાજપ મીડિયા સેલ કન્વીનર યજ્ઞેશ દવેએ આજે કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના કોરાણે મૂકાઇ ગયેલા નેતાઓ સેવા કરતી વ્યક્તિ પર આંગળી કરે ને તે ખરેખર આપણાં માટે દુખની વાત છે. ભારત અને વિશ્વમાં ગુજરાતીઓનું નામ સેવામાં અવ્વલ નંબરે છે. ત્યારે તમે તેમના પર આંગળી ચિંધો છો તે વાજબી નથી. સુરતમાં સ્થાનિક વેપારીઓના સહકારથી રેમડેસિવીર ઇજેંકશન લાવ્યા હતા અને સુરતમાં જરૂરિયાત મંદોને પહોંચી વળવા, જીવ બચાવવા માટે આપ્યા હતા.

તેમણે વધુમાં તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, આ કોરાણે મૂકાઇ ગયેલા કોંગ્રેસના લોકો કે જેમનો પ્રજામાં વજૂદ નથી તેવા નેતાઓ આજે ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપની સેવા પર આક્ષેપ કરવા નીકળી પડે છે તે યોગ્ય નથી. આજે તમે જુવો તમે પોતે આજે વેકસીનેસનની પ્રવુતિ ઉપરાંતની વિવિધ પ્રવુતિમાં ભાજપના 2 લાખ કાર્યકર્તાઓ જોડાયેલા છે. માત્ર 12 કલાકમાં સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ 200 બેડની હોસ્પિટલ ઊભી કરી છે. તમે શું કર્યુ તે તો પહેલાં બતાવો, માત્ર ને માત્ર આલોચના.

કોંગ્રેસને પડકાર ફેંકતા તેમણે કહ્યું કે, આલોચના કર્યા સિવાય કોંગ્રેસના એક કાર્યકર બતાવે કે, આ પાંચ માણસની સેવા કરી છે, અને આ 25 માણસને વેકસીનેશન અપાવવા લઇ ગયા છે. તમારું કયાંય સેવાનું કાર્ય નથી. માત્ર ને માત્ર આલોચના છે. એટલે જ પ્રજાએ તમને દૂર રાખ્યા છે, હવે તો શાનમાં સમજો, કયાં સુધી આવું ચલાવશો.

દવેએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં આજે કોરોનાની મહામારી ફેલાઇ છે. મહામારી હોય, રેલ, અતિવુષ્ટ હોય કે પ્લેગ હોય. ભાજપના પ્રત્યેક કાર્યકરો ખભે ખભે મિલાવીને કોઇપણની આલોચના કે કશાંયની ચિંતા કર્યા વગર આવા કાર્યોમાં જોતરાયેલો રહ્યો છે. આ કોરોણે મૂકાઇ ગયેલા નેતાઓ આ કાર્યો પર આક્ષેપ કરી સ્વ પ્રસિધ્ધિ માટે લાંબા લાંબા નિવેદન આપે છે તે યોગ્ય નથી. ગુજરાત કયારેય સાંખી નહીં લે, ગુજરાતની જનતા તો સાંખી લેતી જ નથી. પરંતુ આજે જે વ્યક્તિઓને રેમડેસીવીર ઇજેંકશન મળે છે અને જેમનો જીવ બચે છે તે લોકો પણ તમારી આ પ્રવુત્તિ નહીં સાંખી લે.

ભાજપ અમદાવાદના મીડીઆ સેલના કન્વીનર તથા નેશનલ બીજેપી કિસાન મોરચાના સભ્ય કિસનસીંહ સોંલકીએ જણાવ્યું કે, રાજકીય આક્ષેપો અને પોતાના ઉપર અંગત આક્ષેપો થશે તેવી જાણ છતાં ” પ્રજા પ્રથમ” ના ઉદેશ સાથે સેવા ભાવી કાર્ય અને સંસદ સભ્ય હોવાના નાતે પોતાની નૈતિક જવાબદારી – ફરજ સ્વીકારી ,” રેમડેસીવીર “ઇન્જેક્સન ની વ્યવસ્થા કરતા સંસદ સભ્ય – પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પ્રોત્સાહનને બદલે રાજકીય આક્ષેપોનો માહોલ કરી રાજકીય રીતે -નિયમોમાં મુલાવતા-આક્ષેપો કરતા વિપક્ષને પ્રજા પાઠ ભણાવશે .

જ્યારે રેમડેસીવીર ઇન્જેક્સન સરકારી તંત્ર પોતાની રીતે ક્યાંય તકલીફ ન સર્જાય તેવી રીતે વિતરણ કરી રહ્યા છે ,ત્યારે ફરજનિષ્ઠ સંસદ સભ્ય અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સરકારી તંત્ર પરનું ભારણ ઓછું કરી માત્ર મહામારીમાં સપડાયેલી પ્રજાને સહાય કરવાનો પ્રયત્ન કર્યો છે.

વિપક્ષ પોતાની પ્રજા પ્રત્યેની ફરજ -કર્તવ્ય નિષ્ઠા નથી નિભાવી રહ્યા ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ -સંસદ સભ્યો-ધારાસભ્યો, સંગઠન અને પેજ સમિતિઑ જરૂરિયાત મંદોની પડખે પોતાની કર્તવ્યનિષ્ઠા બજાવી રહ્યા છે તે માત્ર શાસન વ્યવસ્થાના ભાગરૂપે અધિકારીઓ આધારિત નહિ પણ સ્વયં પોતે પ્રજાના સેવક હોવાના નાતે આઉટ બોક્ષ જઈને પણ સરકારી વ્યવસ્થા તંત્રને તે મદદરૂપ થઈ રહ્યા છે તે પ્રશંસનીય છે. ગુજરાતની પ્રજા આવા લોક સેવક ને લોકહીત માટેના આ સંકટ સમયના કાર્ય અને વ્યવસ્થાને આવકારે છે.

ભાજપ ડોકટર સેલ સંચાલિક કોવિડ 19 કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર સુરતમાં શરૂ કરવામાં આવ્યું ચે. તેની ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે રાજય મંત્રી કિશોર કાનાણી, સુરત શહેર મેયર હેમાલીબેન બોઘા, સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઇ ઝાંઝમેરા, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

(8:59 pm IST)