Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

વડોદરાની બે મોટી સરકારી હોસ્‍પિટલ દર્દીઓથી ફુલ : લોબીમાં દર્દીઓને અપાય રહી છે સારવાર : નવાદર્દીઓને સારવાર મળવામાં થતા વિલંબથી લોકોમાં રોષની લાગણી

વડોદરા : ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વકરતી જ જઇ રહી છે. જેના કારણે દાખલ થવા માટે આવતા દર્દીઓની સ્થિતી કફોડી બની છે. એક પછી એક સરકારી હોસ્પિટલો ફુલ થઇ રહી છે. કેટલાક કિસ્સામાં તો હોસ્પિટલની લોબીમાં જ દર્દીઓને સુવડાવીને સારવાર આપવામાં આવી રહી હોવાનાં કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે. તેવામાં નાગરિકોમાં સરકાર પ્રત્યે ખુબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકાર દર્દીઓ માટે શું વ્યવસ્થા કરી રહી છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.

વડોદરામાં કોરોનાની સંખ્યા પણ ખુબ જ વિપરિત છે. સરકારી હોસ્પિટલો ધીરે ધીરે ફુલ થઇ રહી છે. વડોદરાની ગોત્રી બાદ હવે સયાજી હોસ્પિટલ પણ ફુલ થઇ ચુકી છે. સરકારી હોસ્પિટલ ફુલ થતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ તંત્ર પણ દોડતું થયું છે. અટલાદરા સ્વામિનારાયણ મંદિરના યજ્ઞપુરૂષ સભાગૃહને કોવિડ હોસ્પિટલમાં ફેરવવા માટેનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો કે તે તૈયાર થઇ જાયા ત્યાં સુધી દર્દીઓનું શું તે સવાલનો જવાબ તંત્ર પાસે પણ નથી.

એમએસ યુનિવર્સિટીની પોલિટેક્નિક કોલેજ ખાતે આવેલી સમરજ હોસ્ટેલને કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવશે. હાલમાં ઓક્સિજન સુવિધા યુક્ત 500 બેડ તૈયાર કરવામાં આવશે. જરૂર જણાય તો બેડની સંખ્યા વધારીને 1000 કરવાનાં દાવા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બંન્ને સ્થળો ઓક્સિજન લિક્વિડ ટેન્ક ઉભી કરવાની હાલ તો વાતો ચાલી રહી છે. તે તૈયાર થાય ત્યારની વાત ત્યારે પરંતુ હાલ તો દર્દીઓ રઝળી રહ્યા છે.

(12:27 pm IST)