Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

૭,૫૦૦ મતદારોનો એકસાથે ઓનલાઇન રજિસ્ટ્રેશન રેકોર્ડ

યુવાનોના સાથ સહકારથી જ લોકતંત્ર મજબૂત : વર્લ્ડ રેકોર્ડ બુકે જિલ્લા ચૂંટણી તંત્ર, ગુજરાત યુનિવર્સિટી તથા રેડિયો સિટીને સંયુક્તપણે પ્રમાણપત્ર એનાયત કર્યુ

અમદાવાદ,તા. ૧૧: બ્રિટન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સંસ્થા દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડે, ગુજરાત યુનિવર્સિટી કુલપતિ હિમાંશુ પંડ્યા તથા રેડિયો સીટી આર. જે. હર્ષિલને ૭૫૦૦ ફર્સ્ટ ટાઈમ વોટરની ઓનલાઇન નોંધણી કરી વિશ્વ વિક્રમ સ્થાપવા બદલ સંયુક્ત પ્રમાણપત્ર એનાયત કરાયું હતું.  વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ દિવ્ય ત્રિવેદી દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે જણાવ્યું હતું કે, આ પ્રમાણપત્ર સ્વીકારતા રાજ્ય ચૂંટણી પંચ ખુબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. દેશના ચૂંટણીપંચે પણ આ ઉપલબ્ધિ અને સિધ્ધિની નોંધ લીધી છે. આ પહેલથી ગુજરાત યુનિવર્સિટી અને શહેરના યુવાવર્ગે દેશને એક નવી રાહ ચીંધી છે. કલેકટર ડો.વિક્રાંત પાંડેએ સમગ્ર ટીમ અને ગુજરાત યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામા કુલ એક લાખ એક હજાર ઓનલાઇન રજીસ્ટ્રેશન થયા છે. જેમાથી ૭૫૦૦નું પ્રથમ વખત રજીસ્ટ્રેશન એક જ સ્થળે અને એક જ સમયે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી કુલપતિ હિમાંશુ પંડ્યા યુવાવિકાસ લક્ષી તમામ કાર્યોમાં વહીવટીતંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર મેહુલ દવે, અધિક કલેકટર ચૂંટણી ચેતન ગાંધી તથા ચેતન પંડ્યા, જિલ્લા શિક્ષણ અધિકારી  આર.સી.પટેલ અને રેડિયો બ્રાન્ડ એમ્બેસેડર આર.જે જે હર્ષિલ ઉપસ્થિત રહ્યા હતા.

(9:48 pm IST)