Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

લેણદારોના ત્રાસથી એસ્ટેટ બ્રોકરે અંતે ગળેફાંસો ખાધો

આત્મહત્યા પહેલાં બ્રોકરે આપઘાત નોટ લખી : મૃતકના પિતાએ આરોપી લેણદારો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા સંદર્ભની આનંદનગર પોલીસ મથકમાં ફરિયાદ

અમદાવાદ,તા. ૧૧ : શહેરના આનંદનગર વિસ્તારમાં રિયલ એસ્ટેટનું કામ કરતા એક બ્રોકરે રૂપિયાની લેવડદેવડ મામલે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. આત્મહત્યા કરતાં પહેલાં બ્રોકરે સ્યુસાઇડ નોટ લખી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આનંદનગરમાં આવેલ કમલ એપાર્ટમેન્ટમાં રહેતા શોધનભાઇ આફ્રિકાવાળા(દરજી)એ આનંદનગર પોલીસ સ્ટેશનમાં અભિષેક મહેતા(રહે જીવરાજપાર્ક) અને અમિત નંદા (રહે. સેટેલાઇટ સેન્ટર) વિરુદ્ધમાં આત્મહત્યાના દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે. શોધનભાઇ એક કંપનીમાં એકાઉટન્ટ તરીકેની નોકરી કરે છે અને પત્ની ભારતીબહેન સાથે રહે છે. શોધનભાઇનો પુત્ર મિતેશ જે રિયલ એસ્ટેટનું કામ કરે છે. તેણે ત્રણેક દિવસ પહેલાં રૂપિયાની લેવડદેવડ મામલે આત્મહત્યા કરી લીધી હતી. તા.૮ એપ્રિલના રોજ શોધનભાઇ તેમની નોકરી પર હાજર હતા ત્યારે ભારતીબહેનનો તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને તાત્કાલીક ઘરે આવવાનું કહ્યું હતું. શોધનભાઇ ઘરે પહોંચ્યા ત્યારે તેમને મિતેશને ગળેફાંસો ખાધેલી હાલતમાં પંખે લટકતો જોયો હતો. પુત્રને લટકતો જોઇને શોધનભાઇ અને ભારતીબહેન પર આભ ફાટી પડ્યું હતું. દરમિયાનમાં આસપાસના રહીશો ભેગા થઇ ગયા હતા અને તાત્કાલીક ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સને જાણ કરીને બોલાવી હતી. આનંદનગર પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મિતેશની લાશને નીચે ઉતારી હતી. ભારતીબહેન વ્રજધામ હવેલી ખાતે દર્શન કરવા માટે ગયાં હતાં ત્યારે મિતેશે ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે તપાસ કરતાં મિતેશના શર્ટના ખિસામાંથી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, મારે અભિષેક મહેતાના હિસાબે દેવું થયેલું છે. અભિષેકે એ બધાની જોડે રૂપિયા લીધા છે અને મારા ઉપર બધું નાખેલું છે. અભિષેકે મારું ઘર પણ ગીરવે મુકાવેલું છે. અમિતભાઇ દેસાઇ જોડે હું તને નવું ઘર કરી આપીશ એટલે હું મારા મમ્મીને સહી કરવા લઇ ગયો હતો. અમિતભાઇ દેસાઇને મારે ૧૫ લાખ રૂપિયા આપવાના છે. જે અભિષેકને આપવાના હતા. મનનભાઇ ભટ્ટને પણ મારે દોઢ લાખ રૂપિયા આપવાના છે. મનન ભટ્ટ દારૂ પીને મારે ઘરે આવે છે અને ધમાલ કરે છે અને મારા પપ્પાને લાફો પણ માર્યો હતો. મારા પપ્પાએ લખાણ પણ આપેલું છે. પાંચ છ મહિને આપી દઇશું શનિવારે અમિત નંદાને મારે દોઢ લાખ રૂપિયા આપવાના છે. આનંદનગર પોલીસે અભિષેક મહેતા અને આનંદ નંદા વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:41 pm IST)