Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

પાઇપ લઇને નીકળેલા યુવાનને પોલીસે લોકઅપમાં પુરી દીધો

લોકસભાની ચૂંટણીને લઇ પોલીસ કાર્યવાહી : બાદમાં યુવકને જામીન ઉપર મુકત કરાયો પરંતુ ચર્ચાઓ

અમદાવાદ,તા.૧૧ : જો તમે લોખંડની પાઇપ કે લાકડી લઈને રસ્તામાં જઈ રહ્યો છો તો ચેતી જજો, કારણ કે આચારસહિતના કારણે તમારે લોકઅપની હવા ખાવાનો વારો પણ આવી શકે છે. આવું કાંઇક બન્યું છે શાહીબાગ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે. જે ઘરે પંખો ફિટ કરવા માટે લોખંડની પાઇપ લઇને આવતો હતો, ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામાના ભંગ બદલ શાહીબાગ પોલીસે પાઇપ લઈને જઈ રહેલા યુવક પર ગુનો દાખલ કર્યો હતો. જો કે, પોલીસના આ પ્રકારના બિનવ્યવહારૂ વલણ અને વધુ પડતી આકરી કાર્યવાહીને પગલે સ્થાનિક લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. સભ્યસમાજમાં અને જાગૃત નાગરિકોમાં પોલીસની ભૂમિકા અને સામાન્ય સમજણને લઇ ગંભીર સવાલો ઉઠયા હતા.

હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, શહેરમાં કોઈ અણબનાવ ન બને તે માટે શહેર પોલીસ સતર્ક રહે છે, અને રાત્રી દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ પાસેથી ડંડા,ચપ્પુ,તલવાર મળે તો તેમની સામે ગુનો નોંધી લોકઅપમાં પૂરી દેવામાં આવે છે. ચમનપુરા વિસ્તારમાં રહેતો ત્રેવીસ વર્ષીય એક યુવક ભરતભાઈ પટણી ગઈકાલે તેના ઘરમાં ગરમી લગતી હોવાથી પંખો લગાવવા માટે એક નાની લોખંડની પાઇપ લઈને ઘેવર સર્કલ પાસેથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન શાહીબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તે યુવકને ઊભો રાખ્યો હતો. ત્યારબાદ શાહીબાગ પોલીસે યુવક પાસે પાઇપ જોતાં ગાડીમાં બેસાડીને હોળી ચકલા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યાં ચોકી પીએસઆઇ દ્વારા યુવાન ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે યુવાને જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય તેમ શાહીબાગ લોકઅપમાં ધકેલી દીધો હતો, અને કલાકો બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે, સ્થાનિક લોકોએ આક્રોશ વ્યકત કર્યો હતો કે, પોલીસે સામાન્ય બુધ્ધિથી વિચારવું જોઇએ તો ખરૃં ને..વર્દીનો રોફ કે ધાક જમાવવી હોય તો શહેરમાં જે ખરા ગુંડાઓ અને અસામાજિક તત્વો છે તેઓની સામે કાર્યવાહી કરે ને...તેમાં તેમને કોણ કાર્યવાહી કરતા રોકે છે.

 

(7:39 pm IST)