Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

વડોદરાના ૨ યુવકો દ્વારા નરેન્‍દ્રભાઇ મોદી માટે અપના ટાઇમ આયેગા… ગીતનું સર્જન કરાયુ

વડોદરા: લોકસભા ચૂંટણી 2019ને લઈને સમગ્ર દેશમાં મતદારોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે સવાયા ગુજરાતી તરીકે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014ની લોકસભાની ચૂંટણીમાં અચ્છે દિન આયેંગેનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. આજે પાંચ વર્ષ પછી દેશ સહિત ગુજરાતમાં સારા દિવસો આવ્યા હોવાની પ્રતીતિ નાગરિકો કરી રહ્યા છે. ચૂંટણીના સમયે વડોદરાના બે યુવકોએ ગુજરાતીમાં એક અનોખું રેપ સોંગ તૈયાર કર્યું છે. સોંગની પ્રેરણા અપના ટાઈમ આયેગા પરથી લેવામાં આવી છે અને બનેં યુવકોએ ગુજરાતી વર્જન સારા દિવસો આવ્યા હોવાની વાત કરી છે.

ગલી બોય ફિલ્મમાંથી પ્રેરણા લઈને અપના ટાઈમ આયેગા ગીતને વડોદરામાં બે યુવકોએ ગુજરાતી ભાષામાં પોતાની મૌલિકતાથી રજૂ કર્યું છે. ગીતના શબ્દો અને સંગીત પણ બે યુવકોએ આપ્યું છે. મૂળ નવસારીના રેડિયો જોકી તરીકે પ્રચલિત આર જે રોશન અને તેમના મિત્ર ડી.જે આદિએ ગીતને કંપોઝ કર્યું છે. ગીતની ખાસિયત છે કે ગુજરાતી ભાષામાં રેપ સ્ટાઇલથી ગીતને પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

તો બીજી તરફ સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધ્યું છે અને દરેક જગ્યાએ ગુજરાતીઓ છવાયા છે પ્રકારે નિરૂપણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ફિલ્મના ગીતમાં અપના ટાઈમ આયેગા પ્રકારની ભવિષ્યની વાત વણવામાં આવી છે. તો ગુજરાતી રેપ સોંગમાં સારા દિવસો આવી ગયા હોવાની વાત કરી છે. મહત્વનું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી સમયે અચ્છે દિન ની વાતો કરી હતી.

સારા દિવસો મોદી સરકારને કારણે દેશમાં આવ્યા છે. ગુજરાતની જો વાત કરીએ તો પહેલા અને આજે પણ સારા દિવસો હતાં તેવા પ્રકારની લાગણી ગીતમાં વણી લેવામાં આવી છે. પાંચ વર્ષ પહેલા મોદી દ્વારા કહેવાય સારા દિવસોની શરૂઆત ગુજરાતમાં તો થઈ ચૂકી હોવાની રજૂઆત રોશન અને આદીએ પોતાના ગીતમાં કરી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સુરક્ષા સહિત અનેક બાબતોમાં બદલાવ આવેલ છે તેનો ઉલ્લેખ ગીત માં કરેલ છે. ચૂંટણીની જાહેરાત બાદ બને મિત્રોએ જાતે ગીતની રચના કરી અને તેને લયબદ્ધ કરી સંગીત સાથે લોન્ચ પણ કર્યું છે. દરેક ગુજરાતીના વ્યક્તિત્વને રજુ કરતા શબ્દો અને સવાયો ગુજરાતી હોવાનું ભાવનાત્મક નિરૂપણ ગીતમાં કરવામાં આવ્યું છે.

ગીતના માધ્યમથી યુવકો નરેન્દ્ર મોદીની સરકારમાં ગુજરાત સહિત દેશમાં સારા દિવસો આવ્યા છે એવું જણાવી રહ્યા છે. ટૂંકમાં ગીત ગુજરાતી કોમ્યુનિટી અને નરેન્દ્ર મોદીને સંબધિત હોવાને કારણે ગીતને લાખો લોકોએ વખાણ્યું છે.

(4:50 pm IST)