Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ગુજરાતમાં કાર - ટુ વ્હીલરની ડિમાન્ડ ઘટી

૨૦૧૮ - ૧૯માં ૫ ટકા જેટલું રજીસ્ટ્રેશન ઘટયું : ધીમી ગતિએ ચાલતી ઇકોનોમી કારણભૂત

અમદાવાદ તા. ૧૧ : ગુજરાતમાં નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન પેસેન્જર વ્હીકલ્સ જેવા કે કાર્સ અને ટુ-વ્હીલર્સની માગમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ડેટા મુજબ ગુજરાતમાં ૨૦૧૮-૧૯દ્ગક્ન નાણાંકીય વર્ષ દરમિયાન અંદાજિત ૧૨.૫ લાખ ટુ-વ્હીલર્સનું રજિસ્ટ્રેશન થયું, જે વર્ષ ૨૦૧૭-૧૮માં નોંધાયેલા ૧૩.૧૬ લાખ રજિસ્ટ્રેશનથી ૫ ટકા ઓછું છે. આવી જ રીતે વર્ષ ૨૦૧૭-૧૮માં ૩.૩ લાખ કાર્સનું રજિસ્ટ્રેશન થયું હતું, જે ૨૦૧૮-૧૯માં ૪.૫ ટકાના ઘટાડા સાથે ૩.૧ લાખ થઈ ગયું. ઈન્ડસ્ટ્રી એકસપર્ટ મુજબ વાહનોના રજિસ્ટ્રેશનમાં થયેલા ઘટાડા પાછળ રોકડની અછત અને ખરાબ ફેસ્ટિવલ સિઝન કારણભૂત છે.

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિયેશન (FADA)ના ગુજરાત પ્રેસિડેન્ટ પ્રણવ શાહ મુજબ, સામાન્ય રીતે નવરાત્રિ અને દિવાળીમાં વાહનોના વેચાણમાં વધારો થાય છે, પરંતુ પાછલા વર્ષે ફેસ્ટિવ સિઝન ખરાબ રહેતા આવું ન બન્યું. તેમણે ઉમેર્યું કે, નવરાત્રિ સમયે જ પેટ્રોલ-ડીઝલની કિંમત વધી હતી, આ સમયે પેટ્રોલની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ હતી. એવામાં ગ્રાહકોએ ખરીદી ન કરતા સિઝન નબળી રહી હતી.

ટુ-વ્હીલરના રજીસ્ટ્રેશનમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૧ ટકાનો વધારો નોંધાયો હતો. આવી જ રીતે કારના રજીસ્ટ્રેશનમાં પણ બે વર્ષથી ૧૩ ટકાનો વધારો ચાલી રહ્યો હતો, જે ૨૦૧૮-૧૯માં ઘટી ગયો. માર્કેટમાં કેમ ટુ-વ્હીલર્સની ડિમાન્ડ ઘટી રહી છે, તેના પર શાહ કહે છે, પાછલા વર્ષે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA) દ્વારા થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પાંચ વર્ષ માટે કમ્પલસરી કરાયો હતો. આ કારણે ટુ-વ્હીલર્સની કિંમત પણ વધી ગઈ. ઈન્ડસ્ટ્રીના જાણકાર મુજબ પહેલા માત્ર ૩૫ ટકા ટુ-વ્હીલર્સ લોન પર ખરીદાતા હતા, જેની સંખ્યા હવે ૫૦ ટકા સુધી પહોંચી ગઈ છે.

શહેરના ડિલરશિપ મુખ્ય અધિકારી રજનિશ અરોરા મુજબ, ધીમી ગતિએ ચાલી રહેલી ઈકોનોમીના કારણે મોટાભાગના સેકટર્સમાં પૈતાની અછત સર્જાઈ રહી છે, જેના પરિણામે બિઝનેસ સારા નથી ચાલી રહ્યા. આ કારણે લોકોની ઈન્કમમાં ઘટાડો થયો છે અને તે ખરીદી કરવાનું ટાળી રહ્યા છે.

(4:06 pm IST)