Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

મતદાન પૂર્વે કોંગીના ઘરમાં આગ વિસ્તારવાની ભાજપની યોજનાઃ કેટલાક ધારાસભ્યો પર 'નજર'

રણમેદાનમાં કોંગ્રેસના રથના પૈડા જ કાઢી લેવા સામુહિક પક્ષપલ્ટો કરાવવાનો પ્રયાસ

રાજકોટ તા.૧૧: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપે મતદાન પૂર્વેના દિવસોમાં કોંગીમાં આંતરિક અસંતોષની આગ વિસ્તારવાની યોજના બનાવી છે. જો આ યોજના સફળ થશે તો રાજકીય ખળભળાટ મચી જશે.

ભાજપે નજીકના ભૂતકાળમાં કોંગ્રેસના ૬ ધારાસભ્યોને ખેડયા છે. એક ને ગેરલાયક ઠેરવ્યા છે. એક ધારાસભ્યએ ગઇકાલે કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે હજુ કેટલાક ધારાસભ્યો પર ભાજપની નજર હોવાનું કહેવાય છે.ભાજપ દ્વારા જેટલા લોકસભા મતક્ષેત્રમાં શકય હોય ત્યાં કોંગ્રેસના વિવિધ સ્તરના કાર્યકરોને કેસરિયા ખેસ પહેરાવવાની યોજના બનાવી છે. મતદાન પૂર્વેના દિવસોમાં મોટું ઓપરેશન કરી કોંગ્રેસને રણમેદાનમાં દયાજનક સ્થિતિમાં મૂકી દેવાની ભાજપની કથિત યોજના સફળ થાય તો કોંગ્રેસને કમ્મરતોડ ફટકો પડશે. ભાજપ દ્વારા પાર્ટીમાં ન જોડાવા માંગતા કેટલાક સામાજિક આગેવાનોનો ખાનગી અને જાહેર ટેકો મેળવવા પ્રયાસ થઇ રહ્યા છે.

(3:49 pm IST)