Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

રેલ્વે મારફત ડ્રગ્સ-દારૂ-હથિયારો ન ઘુસે તે માટેની રણનીતિ તૈયાર

પંજાબના પગલે પગલે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસી રહ્યાના અહેવાલથી ચૂંટણી પંચ અને તંત્ર ભારે ચિંતિતઃ હાઈવે પર અનુપમસિંહ ગેહલોત અને હર્ષદ પટેલ દ્વારા ડ્રગ્સ માફીયાઓને ઝડપવામાં સફળતા સાંપડીઃ સીઆઈડી વડા આશિષ ભાટીયા દ્વારા ગાંધીનગરમાં હાઈલેવલની તાકીદની મીટીંગ યોજાઈઃ એસપીઓ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સાથે બંધબારણે ચર્ચાઓ

રાજકોટ, તા. ૧૧ :. લોકસભાની ચૂંટણી ધ્યાને લઈ ચૂંટણી પંચ દ્વારા પોતાના નોડલ ઓફિસર મારફત ગુજરાતમાં કોઈપણ રીતે દારૂ અને ડ્રગ્સની સાથોસાથ હથીયારો કે શકમંદ તત્વો ન ઘુસે તે માટેના આદેશો સંદર્ભે રાજ્યના સીઆઈડી ક્રાઈમ અને રેલ્વેઝના ડીજીપી કક્ષાના કાર્યદક્ષ અને જાગૃત એવા આશિષ ભાટીયાએ પોતાની અન્ડરના ગુજરાત રેલ્વેના એસ.પી. અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની તાકીદની બેઠક ગાંધીનગર ખાતે યોજી કોઈપણ સંજોગોમાં રેલ્વે મારફત દારૂ-ડ્રગ્સ અને શકમંદ તત્વો ન ઘુસે તે માટે જાગૃત રહેવા અને રાઉન્ડ ધ કલોક કરવા માટેની રણનીતિ ઘડી કાઢી હતી.

અત્રે યાદ રહે કે ચૂંટણી પંચ દ્વારા દર સપ્તાહે પોલીસ દ્વારા થતી કાર્યવાહીની અખબારો સમક્ષ જે જાહેરાત થાય છે તેમાં આશ્ચર્યજનક રીતે ડ્રગ્સ અને કેફી પદાર્થોની હેરાફેરી ગુજરાતમાં પંજાબ બાદ વધુ પ્રમાણમાં થઈ રહ્યાની બાબતો પ્રકાશમાં આવી હતી. રાજ્ય સરકારે પણ આ બાબતને ખૂબ ગંભીર ગણી તાકીદે પગલા લેવા માટે ડીજીપી મારફત રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓને સખત તાકીદ આપી પગલા લેવા માટે કડક આદેશ આપ્યા છે.

અત્રે યાદ રહે કે વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે વડોદરાના યુવાનોને નશાની ગર્તામાં ધકેલવા માટે કેટલાક ચાલાકભેજાઓ દ્વારા નશાકારક ઈન્જેકશનો વડોદરામાં ઠાલવવાનો પ્રયત્ન કરતા જ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી જેલભેગા કર્યા હતા. યુવાનો આવા નશાકારક પદાર્થોથી દૂર રહે તે માટે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા કોલેજો અને શિક્ષાધામો નજીક તાલીમ સ્ટાફ દ્વારા ચોક્કસ સાધનોથી વિદ્યાર્થીઓને અલગ કરી તેમના માતા-પિતાને તેડાવી અને કાઉન્સલીંગ દ્વારા નશામુકત કરેલ. ભૂતકાળમાં આજ રીતે આશિષ ભાટીયાએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના વડા તરીકે કેફી દ્રવ્યો નશાકારક પદાર્થ ન ઘુસે તે માટે ક્રાઈમ બ્રાંચના સ્ટાફને મેદાને ઉતારેલ. જેને ખૂબ સફળતા મળી હતી. આજ રીતે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાંચના ડીસીપી હર્ષદ પટેલે પણ ડ્રગ્સ જેવા પદાર્થો સામે ટીમને સક્રીય કરી હતી.

ફરી મૂળ વાત પર આવીએ તો ડ્રગ્સ સપ્લાયરો રેલ્વે મારફત આવા ડ્રગ્સ ગુજરાતમાં ન ઘુસાડે તે બાબતને પ્રાધાન્ય આપવા સાથોસાથ મતદારો પૈકીના કેટલાકને દારૂની લાલચ આપવા માટે દારૂ ઠાલવવામાં ન આવે તે માટેની સીઆઈડી વડાની આ કવાયત હોવાનું સૂત્રો જણાવે છે. બીનસત્તાવાર રીતે સાંપડતા અહેવાલ મુજબ જાલીનોટો સામે પણ સાવધ રહેવા અને આ માટે ચેકીંગમાં કઈ કઈ બાબત ધ્યાને રાખવી ? તથા સામાન્ય લોકો પોલીસના આવા ચેકીંગથી પરેશાન ન થાય તે માટે પણ કાળજી રાખવા આશિષ ભાટીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ છે.

(1:25 pm IST)