Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

સાંસો કી જરૂરત હૈ જૈસે જિંદગી કે લીયે, બસ બહુમત ચાહીએ ખુરશી કે લીએ....

પ્રચારના 'ફુલડા' ખીલ્યા પણ મતદારો હજુ 'સુંઘતા' નથી'!

ગુજરાતમાં મતદાન આડે ૧૧ દિવસ બાકી છતાં ચૂંટણીનો માહોલ જામતો નથી : મતદારો અકળ : છેલ્લા અઠવાડિયા પર મદાર

રાજકોટ તા. ૧૧ :.. દેશમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું આજે મતદાન થઇ રહ્યું છે. ૯૧ બેઠકોના ઉમેદવારોનું ભાવિ આજે સાંજે મત મશીનમાં કેદ થઇ જશે. ગુજરાતમાં ર૬ સંસદીય બેઠકો માટે ર૩ એપ્રિલે મતદાન છે. મતદાન આડે માંડ ૧૧ દિવસ બાકી રહ્યા હોવા છતાં ચૂંટણીનો માહોલ જામતો નથી. નક્કર મુદા વગરની માત્ર સામસામા આક્ષેપો આધારિત ચૂંટણી થઇ ગઇ છે. ઉમેદવારો અને રાજકીય પક્ષો પ્રચારના ફુલડા ખીલવી રહ્યા છે. પણ મતદારો હજુ સુંઘતા નથી મતલબ કે મન કળાવા દેતા નથી.

રાજયની ર૬ લોકસભા બેઠકો માટે ૪ાા કરોડ મતદારો છે. ચૂંટણી ચિત્ર ચોખ્ખુ થયા  પછી - (કુલ ૪૭૧ ઉમેદવારો) નેતાઓ  પ્રચારમાં ઉતર્યા છે.ઉમેદવારો અને કાર્યકરો ગલીએ ગલીએ ઘુમી રહ્યા છે પણ પ્રજા તરફથી ઉમળકો દેખાતો નથી. ભાજપ-કોંગ્રેસ, બસપા, એનસીપી વગેરે પક્ષો અને અપક્ષો મેદાનમાં છે. ભાજપ-કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ શરૂ થઇ ગયા છે. છતાં માહોલ શુષ્ક દેખાય છે.

દરેક ઉમેદવાર પોતાને ચૂંટણી પ્રચારમાં સારો આવકાર મળતો હોવાનો દાવો કરે છે પરંતુ વાસ્તવિકતા જુદી જ દેખાય છે. ગુજરાતમાં હજુ સુધી ચૂંટણીનો માહોલ નિરસ દેખાય છે. તેનું કારણ રાજકીય પક્ષોની ઘટતી વિશ્વસનીયતા, આકરો તાપ વગેરે છે.

ભાજપે વિકાસ ઉપરાંત એરસ્ટ્રાઇક જેવા મુદા ઉઠાવ્યા છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ વડાપ્રધાન મોદીને નિશાન બનાવી બેકારી, મોંઘવારી, કાળુ નાણુ વગેરે મુદા ઉઠાવ્યા છે. બન્ને પક્ષોએ ખેડૂતો અને અન્ય મતદારોને આકર્ષવા વચનોનો વરસાદ  વરસાવ્યો છે.

પ્રચારના ફુલ જાણે કૃત્રિમ ફુલ હોય તેમ સુગંધ વગરના લાગે છે. તા. ૧પ થી ર૧ વચ્ચે ચૂંટણી પ્રચાર વધુ વ્યાપક બનાવાશે. છેલ્લુ અઠવાડીયુ ચૂંટણીનો માહોલ જામે તેવી કાર્યકરોને આશા છે.

(1:25 pm IST)