Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

અલ્પેશ ઠાકોરે અંગત સ્વાર્થ માટે કોંગ્રેસ છોડી : ભાજપના ઇશારે સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો

મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરે કર્યો આક્ષેપ

મહેસાણા : ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ તેના વિરોધમાં સુર ઉઠ્યા છે ઠાકોર સમાજ સાથે કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો હોવાનું કારણ રજૂ કરી કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધા બાદ ઠાકોર સેનામાંથી જ વિરોધના સૂર ઊઠી રહ્યાં છે

  . મહેસાણા ઠાકોર સમાજના પ્રમુખ રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર સણસણતો આક્ષેપ મૂક્યો છે કે અલ્પેશે ભાજપના ઇશારે રાજીનામું ધર્યું છે. તેમણે વધુંમાં એમ પણ જણાવ્યું હતું કે અલ્પેશે સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે.
     રામજી ઠાકોરે કહ્યું,“અલ્પેશ ઠાકોરે આ નિર્ણય પોતાના અંગત સ્વાર્થ માટે લીધો છે. અલ્પેશે ભાજપના ઇશારે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યુ છે. અલ્પેશે કોંગ્રેસ છોડીને સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે, સમાજ તેને કદી માફ નહીં કરે તેમણે આવો નિર્ણય લેતા પહેલાં 1000વાર વિચાર કરવો પડે. તેમણે કોઈને પૂછ્યા વગર આ નિર્ણય લીધો છે. તેઓ ભાજપના મોટા નેતાઓ સાથે સંપર્કમાં હતા અને તેમણે ભાજપના નેતાઓને ઇશારે જ આ કામ કર્યુ છે

    તેઓએ વધુમાં જણાવ્યું કે અલ્પેશે સેનાના યુવાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે, અમે ઠાકોર સેના ચલાવીશું સમાજના યુવાનો જેમ કહેશે તેમ કહીશું. જો અલ્પેશ ઠાકોર મર્યાદામાં રહેશે તો વાંધો નથી બાકી વિરોધ કરવા આવશે તો અમે તૈયાર છીએ.

   અત્રે ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું તેનું પ્રમુખ કારણ ઠાકોર સમાજને કોંગ્રેસમાં થતો અન્યાય અને સમાજની ઉપેક્ષા થતી હોવાનું દર્શાવ્યું હતું

(1:05 pm IST)