Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

અમદાવાદની મહિલા બેંક કર્મચારીએ પતિ સામે નોંધાવી ઘરેલુ હિંસાની ફરિયાદ : ચોંકાવનારા આરોપો

લગ્ન પછી પતિએ ત્રાસ આપવાનું શરૂ કર્યું : મારા માતા-પિતા ગમતા ન્હોતા : માર મારતો પત્ની ઉપર નજર રાખવા ઘરમાં CCTV લગાવ્યા : સ્કુટરના કિમી પણ તપાસતો

અમદાવાદ તા. ૧૧ :  અમદાવાદના પોશ ગણાતા સેટેલાઈટ વિસ્તારનો આ કિસ્સો જાણીને તમને આંચકો લાગશે. સેટેલાઈટમાં રહેતી અને રાષ્ટ્રીયકૃત બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતી ૩૫ વર્ષીય મહિલાએ તેના પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો પતિ એક ખાનગી બેંકમાં કામ કરે છે. મહિલાની ફરિયાદ મુજબ જાન્યુઆરી ૨૦૧૪માં તેમના લગ્ન થયા ત્યારથી જ તેના પતિએ ત્રાસ આપવાનું શરૂ કર્યું.

મૂળ પશ્ચિમ બંગાળના કોલકાતાની ફરિયાદી મહિલાએ પરંપરાગત વિધિથી ૨૨ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ લગ્ન કર્યા. લગ્ન પછી મહિલા તેના માતા-પિતા સાથે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેવા લાગી અને તેનો પતિ મુંબઈ જતો રહ્યો કારણકે એ વખતે તેની નોકરી ત્યાં હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું, 'મારા પિતા હાર્ટ પેશન્ટ છે અને માતા પ્રજ્ઞાચક્ષુ હોવાથી તેમની જવાબદારી મારા શિરે છે. મારા પતિને લગ્ન પહેલા માતા-પિતાની સ્થિતિ વિશે જાણ હતી પરંતુ તેને આ પસંદ નહોતું. ડિસેમ્બર ૨૦૧૪માં મારો પતિ અમદાવાદમાં સ્થાયી થયો. ત્યારથી જ તે મારા માતા-પિતા સાથે ખરાબ અને અમાનવીય વર્તન કરવા લાગ્યો. મારા જ ઘરમાં મારા માતા-પિતા કેવી રીતે ઉઠશે, બેસશે અને કયાં ઉંઘશે તેના નિયમો બનાવ્યા.'

સોમવારે મહિલાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેનો પતિ તેના માતા-પિતાને ટોણો મારતો હતો કે તેમણે પૂરતું દહેજ નથી આપ્યું. જયારે પણ મહિલા પતિના ટોણાનો જવાબ આપતી ત્યારે તેને પણ ત્રાસ આપતો હતો. જમાઈની દરરોજની પજવણીના કારણે મહિલાના વૃદ્ઘ માતા-પિતા ઘરડા ઘરમાં જતા રહ્યા. આટલું પૂરતું ન હોય તેમ મહિલા જયારે પણ પોતાના માતા-પિતાની ખબર પૂછવા ફોન કરવા ઈચ્છે ત્યારે તેનો પતિ તેને રોકતો હતો. FIR મુજબ, ૩ માર્ચે જયારે મહિલાના માતા-પિતા દોહિત્રને જોવા દીકરીના ઘરે આવ્યા ત્યારે જમાઈએ તેમને માર માર્યો. ત્યાર બાદ મહિલાએ પતિ સામે ઘરેલુ હિંસા અને હુમલાનો કેસ નોંધાવ્યો.

ફરિયાદી મહિલાએ FIRમાં જણાવ્યા પ્રમાણે, તેના પતિએ ઘરમાં CCTV કેમેરા લગાવ્યા હતા. પતિને મહિલાના ચારિત્ર્ય પર શંકા હોવાથી મોબાઈલ ફોનમાં CCTVની ફૂટેજ જોતો હતો. પતિ એટલો શંકાસ્પદ હતો કે મહિલાના વાહનના કિલોમીટર ચેક કરતો હતો જેથી જાણી શકાય કે મહિલા ઓફિસ સિવાય કોઈ અન્ય સ્થળે તો નથી જતી ને. આ સિવાય મહિલા કોઈ અન્ય વ્યકિત સાથે વાતચીત તો નથી કરતી ને તેની ખાત્રી કરવા મોબાઈલ ચેક કરતો હતો.

(11:39 am IST)