Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કાલુપુર સ્ટેશન ઉપર પાર્કિંગ ચાર્જની સીસ્ટમથી નારાજગી

વાહન ૧૫ મિનિટથી વધુ રોકાય તો પાર્કિંગ ચાર્જઃ એરપોર્ટ જેવી જ પાર્કિંગ સીસ્ટમ લાગુ કરાતાં નાગરિકોમાં આક્રોશ : પાર્કિંગ ચાર્જની આડમાં ઘણી અવ્યવસ્થા સર્જાશે

અમદાવાદ,તા. ૧૧:      કાલુપુર રેલ્વે સ્ટેશન પરિસરમાં આજથી અમદાવાદ એરપોર્ટની જેમ જો કોઇપણ વાહન ૧૫ મિનિટથી વધુ સમય રોકાણ કરે તો વાહનચાલક પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલવાની નવી સીસ્ટમ અમલી બનાવાતાં શહેરીજનો અને રેલ્વે મુસાફરી કરતાં રૂટીન મુસાફરો ખાસ કરીને અપડાઉનવાળા સહિતના પ્રવાસીઓમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે. રેલ્વે સત્તાવાળાઓ દ્વારા પાર્કિંગ ચાર્જની નવી સીસ્ટમ અમલી બનાવાતાં લોકોમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. કારણ કે, હાલ અમદાવાદ એરપોર્ટ પર આવી પાર્કિંગ સીસ્ટમ અમલી છે જેમાં ટ્રાફિકની ભારે અવ્યવસ્થા અને સ્થાનિક કર્મચારીઓ સાથે ઘર્ષણના ગંભીર બનાવો સામે આવી ચૂકયા છે ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશન પર પણ આ પ્રકારની પાર્કિંગ ચાર્જ સીસ્ટમ લાગુ કરવાના કારણે માફિયાગીરી, ટ્રાફિક અવ્યવસ્થા, ઘર્ષણ સહિતની સમસ્યાઓ સર્જાવાની પૂરી દહેશત છે.

   કાલુપુર રેલ્વે સ્ટેશન પર રોજના સરેરાશ દસ હજારની આસપાસ વાહનો આવતા હોય છે. જો કોઇ નાગરિક તેમના પરિવારજનો, સગાવ્હાલા કે મિત્રવર્તુળને સ્ટેશન પર મૂકવા આવે તો તેને ૧૫ મિનિટમાં પાર્કિંગ એરિયા છોડી દેવો પડશે. જો ૧૫ મિનિટથી વધુ તેમનું વાહન રોકાશે તો, ટુ વ્હીલર વાહનચાલકોએ ૧૫ મિનિટના રૂ.૧૫, રીક્ષાચાલકોએ ૧૦ મિનિટના રૂ.૧૦ અને ફોર વ્હીલરના ચાલકોએ ૧૫ મિનિટના રૂ.૩૫ ચૂકવવાના રહેશે તેવો પાર્કિંગ ચાર્જ આજથી અમલમાં મૂકાયો છે. એટલું જ નહી, પ્લેટફોર્મ નજીકની પ્રીમીયમ પાર્કિંગ ફેસિલીટી માટે પ્રતિ ચાર કલાકનો ચાર્જ રૂ.૧૦૦ રહેશે. નવી સીસ્ટમ મુજબ, ટુ વ્હીલર અને ફોર વ્હીલરને શરૂઆતની પંદર મિનિટ સુધી ફ્રી સમય આપવામાં આવશે પરંતુ ત્યારબાદ તેમની પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવશે. તો, પ્રથમ લેનમાં ૩૦ જેટલી કાર માટે પ્રીમીયમ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે, જેમાં પાર્ક થયેલી કાર પાસેથી કલાક દીઠ રૂ.૧૦૦નો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવશે. તમામ વાહનોએ એન્ટ્રી પાર્કિંગ બુથ પરથી પસાર થવાનું રહેશે. વાહનચાલકને વાહન નંબર અને સમય સહિતની માહિતી સાથેની કૂપન પણ અપાશે. સ્ટેશન પર કામ પૂર્ણ થયા બાદ વ્યકિત બહાર નીકળે ત્યારે તેણે એકઝીટ બુથ પર પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. હાલ સાત પ્લોટમાં પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. બીજીબાજુ, નવી પાર્કિંગ ચાર્જ સીસ્ટમની અમલવારીને લઇ નાગરિકોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે. હાલ અમદાવાદ એરપોર્ટ પર આવી પાર્કિંગ સીસ્ટમ અમલી છે જેમાં ટ્રાફિકની ભારે અવ્યવસ્થા અને સ્થાનિક કર્મચારીઓ સાથે ઘર્ષણના ગંભીર બનાવો સામે આવી ચૂકયા છે ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશન પર પણ આ પ્રકારની પાર્કિંગ ચાર્જ સીસ્ટમ લાગુ કરવાના કારણે માફિયાગીરી, ટ્રાફિક અવ્યવસ્થા, ઘર્ષણ સહિતની સમસ્યાઓ સર્જાવાની પૂરી શકયતા છે.

રેલ્વે મુસાફરીનો રૂટીન ઉપયોગ કરતાં મુસાફરોએ હૈયાવરાળ ઠાલવી હતી કે, રેલ્વે તંત્રનો આ કમાણી કરવાનો વધુ એક કિમીયો છે, લોકોને શકય એટલી નિશુલ્ક સુવિધા ઉપલબ્ધ બનાવવાને બદલે લોકોને લૂંટવાની ગંદી સીસ્ટમ ચાલી રહી છે, જે ઘણી દુઃખદ અને આઘાતજનક કહી શકાય.

(10:09 pm IST)