Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

આણંદ એસઓજીએ બાકરોલ તળાવ નજીક વોચ ગોઠવીને પિસ્તોલ અને 5 જીવતા કારતુસ સાથે એક ઈસમને ઝડપ્યો

આણંદ:એસઓજી પોલીસે આજે સાંજના સુમારે બાકરોલ તળાવ પાસે વોચ ગોઠવીને પોલ્ટ્રીફાર્મનો ધંધો કરતા એક શખ્સને દેશી બનાવટની પીસ્ટલ તથા પાંચ જીવતા કારતુસ સાથે ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે પકડાયેલા શખ્સના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એસઓજી પોલીસને હકિકત મળી હતી કે, બાકરોલ કોલોની ભાઈકાકા પ્રાથમિક શાળા પાસે ખેતરમાં રહેતા મોહસીનમીંયા કાદરમીંયા મલેક પાસે હથિયાર છે અને તે લઈને બાકરોલ તળાવ પાસે રામપુરા જવાના રોડ બાજુ આવનાર છે જેથી પોલીસે બાકરોલ તળાવ ઉપર ખાનગી રીતે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન મોહસીનમીંયા મલેક આવી ચઢતાં પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો અને તેની અંગજડતી કરતાં પેન્ટના કમરના ભાગે છુપાવેલી ચાલુ હાલતમાં પીસ્ટલ મળી આવી હતી. જ્યારે પેન્ટના ખિસ્સામાંથી પાંચ જીવતા કારતુસ મળી આવ્યા હતા.
પોલીસે પીસ્ટલ તથા કારતુસો અંગે લાયસન્સ હોવાની માંગણી કરતાં તેની પાસેથી મળી આવ્યુ નહોતુ જેથી ૮૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા મોહસીનમીંયા વિરૂધ્ધ આર્મ્સ એકટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને પુછપરછ કરતા આ પીસ્ટલ તેનો મિત્ર કે મુળ પંજાબના અમૃતસર જિલ્લાના માલ ગામે રહે છે તે રામચન્દ્ર શ્રીચંદ રાજપુત આપી ગયો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે રામચન્દ્રને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર મુળ પંજાબનો રામચન્દ્ર પણ પોલ્ટ્રીનો ધંધો કરે છે જે દરમ્યાન મોહસીન સાથે મિત્રતાં થતાં પોલ્ટ્રીના બચ્ચાં વેચવાનો ધંધો કરે છે. રામચન્દ્ર પકડાયા બાદ તે આ પીસ્ટલ ક્યાંથી અને કેવી રીતે લાવ્યો હતો તેમજ તેનો હેતુ શું હતો જેવી કેટલીક બાબતો ઉજાગર થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

(8:06 pm IST)