Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કલોલમાં બંધ મકાનમાંથી તસ્કરોએ 3.94 લાખના મુદ્દામાલની તસ્કરી કરી

કલોલ:શહેરના સિંદબાદ રોડ પાસે આવેલી અશરા સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ૩.૯૪ લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. શહેર પોલીસે તસ્કરોનું પગેરુ મેળવવા દોડધામ શરૃ કરી છે.
કલોલના સિંદબાદ રોડ પાસે આવેલી અશરા સોસાયટીમાં રહેતા ઇજનેરના ઘરમાં ત્રાટક્લા તસ્કરો લાખોની મત્તા ચોરી જતા ચકચાર મચી ગઇ છે. અશરા સોસાયટીમાં મકાન નં.૯માં રહેતા મહંમદ અયાઝ મુસ્તાકભાઇ મનસુરી પોતાના પરીવાર સાથે વતન મધ્યપ્રદેશ ગયા હતા. તે વખતે તા.૭ એપ્રિલથી ૯ એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી તેમાંથી ૧.૫૦ લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૃપિયા ૩,૯૪,૮૦૦ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.
મહંમદભાઇ ઘરે પરત  ફર્યા બાદ તેમને આ ઘટનાની જાણ થઇ હતી. જેથી તેમણે આ ઘટના અંગે કલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કર્યો હતો. ચોરીનો ભેદ ઉકેલવા એફએસએલ અને ડોગસ્કવોડની મદદ લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કલોલમાં તસ્કરોને પોલીસનો સહેજ પણ ડર ના હોય તેમ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં ચોરીની ઘટનાઓ વધી જતી હોય છે. પરંતુ હવે ઉનાળામાં પણ તસ્કરો ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે. જેથી રાત્રિ પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બનાવાય તેવી નાગરીકોની માંગણી છે.
 

(8:05 pm IST)