Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

સુરતમાં મોંઘવારી સામે અનોખો વિરોધઃ મોંઘવારીના રાક્ષસના ગળામાં શાકભાજીનો હાર પહેરાવાયોઃ વાહનો ઉપર બેસીને નહીં, ધક્કા મારીને ચલાવાયા

સુરતઃ કેન્‍દ્ર સરકાર દ્વારા મોંઘવારીનો માર વારંવાર અપાતા સુરતના લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને મોંઘવારીનો નવતર વિરોધ કરી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં એક વ્યક્તિને મોંઘવારીના રાક્ષસ બનાવાયો હતો, જેના હાથમાં તેલનો ડબ્બો, અને ગળામાં શાકભાજીનો હાર હતા.

રેલીમાં જોડાનારા લોકોએ પેટ્રોલના ભાવમાં થયેલા તોતિંગ વધારા સામે અનોખી રીતે વિરોધ કર્યો હતો. લોકો રેલીમાં પોતાના વાહનો પર સવાર થઈને નહીં, પરંતુ ધક્કા મારીને જોડાયા હતા. એટલું જ નહીં, એક બાઈકને તો લારી પર ચઢાવી દેવાયું હતું. સુરતની એક એનજીઓ દ્વારા કલેક્ટર ઓફિસ સુધી રેલી કાઢવામાં આવી હતી, અને વધતી જતી મોંઘવારીના મુદ્દે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

એક સમય હતો જ્યારે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 1 રુપિયાનો પણ વધારો થાય તો પણ રાજકીય પક્ષો રસ્તા પર ઉતરી આવતા હતા, અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરતા હતા. આજે ક્રુડ ઓઈલ 70 ડોલર પ્રતિ બેરલની આસપાસ હોવા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે છતાંય તેની સામે પહેલા જેવા વિરોધ પ્રદર્શન ક્યાંય દેખાઈ જ નથી રહ્યા.

(6:35 pm IST)