Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

વડોદરા પંથકના જાણીતા અરૂણ શાહના ફાર્મ હાઉસની શરાબ પાર્ટી પર પોલીસ ત્રાટકીઃ ૧૬ શખ્સોને ઝડપી લેવાયા

બેંક અને પ્રાઈવેટ કંપનીના વિવિધ શહેરના ટોચના અધિકારીઓ દ્વારા મહેફીલ જામી હતી : મૂળ રાજકોટના પીએસઆઈ તુષાર પંડયા પર કાર્યવાહી ન કરવા રાજકીય અને વગદારોની ભલામણોનો ધોધ વહ્યો

રાજકોટ, તા. ૧૧ :. વડોદરા પંથકના સાવલી તાબાના અજેસર ગામે જાણીતા અરૂણભાઈ શાહના ફાર્મ હાઉસમાં વડોદરા, ભરૂચ સહિત વિવિધ શહેરોના ૧૬ જેટલા બેન્કના અધિકારીઓ ખાનગી કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શરાબની મહેફીલ જામી હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી ૧૬ શખ્સોને ઝડપી લેતા ભારે ચકચાર મચી હતી. પકડાયેલા શખ્સોને કોઈપણ કાર્યવાહી વગર જવા દેવા ભલામણોનો રાજકીય અને વગદારોનો ધોધ વહેવા છતાં પોલીસે મચક આપી ન હતી.

અજેસર ગામના ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ જામી હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલ મારફત ભાદરણ પોલીસને મળતા મૂળ રાજકોટના એવા તરવરીયા પી.એસ.આઈ. તુષાર પંડયા સમય બગાડયા વગર તૂર્ત જ પહોંચી જઈ તમામ શખ્સોને રાઉન્ડ અપ કરી લઈ તેઓની અંગજડતી લઈ મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલા નશાખોરો પૈકી મોટાભાગના રાજકીય અને બીજી રીતે વગદાર હોવાથી પી.એસ.આઈ. તુષાર પંડયાને આરોપીઓને છોડી દેવા માટે આડકતરી રીતે દબાણ છતા તેઓ કાયદેસરની કાર્યવાહી કરવા મક્કમ રહ્યા હતા. પકડાયેલા પૈકી મોટાભાગના બેંકના અધિકારી અને સ્ટાફ તથા ખાનગી કંપનીના અધિકારીઓ હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.

જે શખ્સોની ધરપકડ થઈ છે તેમા કિરણ શાહ, જસવંત વ્યાસ, ધવલ શાહ, મહમદ કુરેશી, જીજ્ઞેશ (તમામ વડોદરાના) ઉપરાંત છોટા ઉદેપુરના અજયસિંહ, સાગર ચૌહાણ, બ્રીજેશ, મયુર માલવાણી, દીપ ભટ્ટ, સુમીત અને હાર્દિક ભગવાનભાઈ પટેલ સમાવેશ  હોવાનું   પોલીસ  સૂત્રો જણાવે છે.

અત્રે એ યાદ રહે કે વડોદરા પંથકમા થોડા માસ અગાઉ આજ રીતે એક ફાર્મ હાઉસમાં શરાબની મહેફીલમાં દરોડો પડયો હતો. આ દરોડામાં ટોચના ઉદ્યોગપતિ ચિરાયુ અમીન સહિતના ઉદ્યોગપતિઓ અને કેટલીક મહિલાઓ પણ શરાબ પીતા પકડાઈ હતી. આ ઘટના બાદ આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે.

(4:07 pm IST)