Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

૫૦૦૦ મેગાવોટના સોલાર પાર્કની સ્થાપનાને લીલીઝંડી

૨૫૦૦૦ કરોડથી પણ વધુ રોકાણ કરાય તેવી વકીઃ સોલાર પાર્ક બનવાના કારણે હજારો લોકોને રોજગારી

અમદાવાદ,તા. ૧૦: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં સોલાર પાર્કની સ્થાપનાને લીલીઝંડી આપી દીધી હોવાના અહેવાલ મળ્યા છે. વિશ્વના સૌથી વિશાળ ૫૦૦૦ મેગાવોટના સોલાર પાર્કની સ્થાપનાને લીલીઝંડી મળતા હવે આ દિશામાં ઝડપથી કામગીરી આગળ વધશે. મળેલી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગાવોટ ઉર્જા બિનપરંપરાગત સોર્સ દ્વારા ઉભી કરવાનો હેતુ ધરાવે છે. આ દિશામાં વિશાળ સોલાર પાર્કની ભૂમિકા મહત્વપૂર્ણ રહી શકે છે. ધોલેરા સર પર્યાવરણ પ્રિય ગ્રીનફિલ્ડ ટેકનોલોજી આધારિત વિકસિત કરવામાં આવનાર છે જેમાં આ સોલાર પાર્ક ખુબ જ ઉપયોગી સાબિત થનાર છે. સોલાર પાર્ક ધોલેરાના ખંભાતના અખાતમાં ૧૧૦૦૦ હેક્ટરમાં આકાર પામનાર છે. એવી પણ માહિતી મળી છે કે, આ સોલાર પાર્કમાં ૨૫૦૦૦ કરોડથી પણ વધુનું જંગી મૂડીરોકાણ કરવામાં આવનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સોલાર પાર્કના કારણે ૨૦૦૦૦થી પણ વધુ લોકોને સીધી રોજગારીની તક મળશે. ધોલેરા ઇન્ટરનેશનલ સિટી અને આસપાસના વિસ્તારોમાં મેન્યુફેક્ચરિંગ યુનિટોને પણ પ્રોત્સાહન મળશે. આવી સ્થિતિમાં ધોલેરા અભૂતપૂર્વ વિકાસની ગતિ સાથે આગળ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે.

ધોલેરા સોલાર પાર્કની સ્થાપનાને લઇને પહેલાથી જ તૈયારીઓ કરવામાં આવી હતી. વિશાળ સોલાર પાર્કને હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી સૈદ્ધાંતિક મંજુરી મળતા પાર્ક સ્થાપનાનો માર્ગ મોકળો થયો છે.

(9:59 pm IST)