Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ગાંધીનગરની દિલ્હી પબ્લીક સ્‍કૂલની મનમાનીઃ ફી ન ભરતા વિદ્યાર્થીઓને સ્‍કૂલ બસમાં બેસવા ન દેવાયાઃ ચેક લેવાની પણ ના પાડી દીધી

ગાંધીનગરઃ ફી નિયમન કાયદો અમલમાં આવ્યો છે તેમ છતાં પણ પ્રાઇવેટ સ્‍કૂલ સંચાલકો પોતાની મનમાની ચલાવી રાખતા તેમની સામે વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

ગાંધીનગરની દિલ્હી પબ્લીક સ્‍કૂલના 100થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલની બસમાં બેસવા નહોતા દેવાયા. પેરેન્ટ્સે આરોપ લગાવ્યો કે સ્કૂલે ECS મોડથી પેમેન્ટ કરવાનો આગ્રહ કર્યો હતો પણ અમે ચેક કે ઓનલાઇન ફી ભરી હોવાથી સ્કૂલે આ કરતૂત કરી. સ્કૂલ ઑથોરિટીએ દાવો કર્યો કે અભ્યાસ ચાલુ રાખવા બાબતે સંમતિ પત્રક જમા કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. દિલ્હી પબ્લિક સ્કૂલે દાવો કર્યો કે ઘણા વિદ્યાર્થીના પેરેન્ટ્સે શાળામાંથી તેમના બાળકોનું એડમિશન પાછું ખેંચી લેવા માટે ફોર્મ એકત્રિત કર્યાં હતાં.

સમિર દાગાની 8મા ધોરણમાં ભણતી પુત્રીને પણ સ્કૂલ બસમાં બેસવા દેવામાં આવી નહોતી. તેમણે કહ્યું કે, “ફી ભરવાની અંતિમ તારીખ 10 એપ્રિલ હતી, મેં મારી પુત્રી દ્વારા ફીનો ચેક મોકલાવી દીધો હતો. પણ ઇસીએસ કે ઓનલાઇન પેમેન્ટ ન કરતા પેરેન્ટ્સના કયા કયા બાળકોને સ્કૂલમાં ન બેસવા દેવા તેનું લિસ્ટ લઇને કન્ડર આવ્યો હતો.

તેણે ઉમેર્યું કે, “એડમિન ડિપાર્ટમેન્ટે ચેક લેવાની ના પાડી દીધી છે. સ્કૂલે પહોંચ્યા બાદ આ અંગે મારી દીકરીએ મને કહ્યું હતું, આવા વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં લઇ જવાના બદલે રિસેપ્શન પાસે લઇ જવામાં આવ્યા અને પેપર પર સહી કરવા કહેવાયું હતું.

અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, “પહેલા ક્વાર્ટર માટે હું પહેલેથી જ 36000 ફી ભરી ચૂક્યો છું, જેમાં ટ્રાન્સપોર્ટ ફીનો પણ સમાવેશ થાય છે. તેમ છતાં મેં ઇસીએસ મોડથી ફી ન ભરી હોવાના કારણે આજે સવારે મારા બાળકોને બસમાં નહોતા બેસવા દેવામા આવ્યાં. પેરેન્ટ્સે આંદોલન કર્યા બાદ જ સ્કૂલે બાળકોને ક્લાસરૂમમાં બેસવા દીધા. બાળકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે?” ડીઇઓ ગાંધીનગર એસએમ બારડે કહ્યું કે આ ઘટનાથી હું અજાણ છું.

ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલ અતનુ રથનું કહેવું છે કે, “પેરેન્ટ્સે અભ્યાસ ચાલુ રાખાનું ફોર્મ જમા નથી કરાવ્યું. ઇસીએસ એ સેકન્ડરી ઇસ્યૂ છે. આગલા વર્ષે બાળક આ સ્કૂલમાં જ અભ્યાસ ચાલુ રાખશે કે નહીં તે કન્ફર્મ કરવા માટે અમારે કન્સેન્ટ ફોર્મની જરૂર હોય છે જે જમા કરાવવામાં પેરેન્ટ્સ નિષ્ફળ નિવળ્યા હતા. આ અંગે શાળાએ ગુરુવારે જ પેરેન્ટ્સને મેસેજ મોકલી દીધો હતો.પેરેન્ટ્સે સ્કૂલ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હોવાનું જણાવ્યું.

અમુક વિદ્યાર્થીઓને સ્કૂલ બસમાં કેમ ન બેસવા દેવામા આવ્યા એવું પૂછવામાં આવતાં પ્રિન્સિપાલે જણાવ્યું કે, “2600 પેરેન્ટ્સ પાસેથી અમને કન્સેન્ટ ફોર્મ મળ્યું હતું અને તે પ્રમાણે જ રૂટ નક્કી કરવામાં આવ્યો હતો.પેમેન્ટ માટે ઇસીએસ મોડ ફરજીયાત કરવાના સ્કૂલના નિર્ણયના વિરોધમાં પેરેન્ટ્સે ગાંધીનગર ડીઇઓને પત્ર લખ્યો હતો.

(6:27 pm IST)