Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

વિડીયો : હાર્દિક પટેલની ચૂંટણી લડવા અંગેની જાહેરાતથી કોંગ્રેસમાં વિખવાદ

કોંગ્રેસની જાહેરાત પહેલા જ સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલે : જાહેર કરી દેતા કોંગ્રેસના નેતાઓમાં વિરોધના સૂર ફેલાઇ રહ્યા છે

નવી દિલ્હી તા. ૧૧ : પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના આગેવાન હાર્દિક પટેલે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયામાં ફરતી ખબર પ્રમાણે કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે હાર્દિક પટેલ અમરેલીમાંથી ચૂંટણી લડશે. કોંગ્રેસની જાહેરાત પહેલા જ સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલે જાહેરાત કરી દેતા કોંગ્રેસનાં નેતાઓમાં વિરોધનાં સૂર ફેલાઇ રહ્યાં છે. કોંગ્રેસ ઉપરાંત પાસનાં નેતાઓ પણ આ વાતથી ખાસ ખુશ નથી.

૧૨મી તારીખે એટલે મંગળવારે ગુજરાતમાં યોજાનારી કોંગ્રેસની CWCમાં હાર્દિક પટેલ કોંગ્રેસનો ખેસ પહેરશે. આ દરમિયાન રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. જો કે કયાંથી ચૂંટણી લડશે તે અંગે જાહેરાત હજી સત્તાવાર રીતે કરવામાં આવી નથી. પરંતુ હાર્દિકની જાહેરાત અને સ્થળની પસંદગીને કારણે કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસનાં જ મોટા નેતાઓ વિરોધનો સુર રેલાવી રહ્યાં છે. કોંગ્રેસનાં નેતાઓ કહી રહ્યાં છે કે કોંગ્રેસનાં જે સ્થાનિક નેતાઓ છે એમને ટિકિટ આપવામાં આવે. નહીં કે બહારથી કોંગ્રેસમાં જોડઇ રહ્યાં છે તેમને ટિકિટ આપવામાં આવે. આ નિર્ણયને કારણે સ્થાનિક આગેવાનો નારાજ થયા છે. મહત્વનું છે કે ગઇકાલે કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવ પણ અચાનક આવી ગયા હતાં. જે પછી તરત જ કોંગ્રેસનાં મોટા નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક મોડી રાત સુધી ચાલી હતી. નોંધનીય છે કે પાસ નેતા દિનેશ બાંભણિયા અને એસપીજી (સરદાર પટેલ ગ્રુપ)ના લાલજી પટેલે હાર્દિકના આવા પગલાંને સમાજ સાથે દ્રોહ ગણાવ્યો છે. 'બંને નેતાઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે, અમદાવાદ ખાતે ૨૫મી ઓગસ્ટના રોજ યોજાયેલી રેલીમાં નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ કોઈપણ પક્ષ સાથે જોડાયા વગર સમાજની સેવા કરશે.'

(3:49 pm IST)