Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

અમદાવાદના ધોળકા-સઇજ રોડ નજીક જમીન પર બાંધકામ કરવાની લાલચ આપી વેપારીએ 16 લાખની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરના ધોળકા સઈજ રોડ ખાતે જમીન પર બાંધકામ કરવા માટે લોનની જરૃર પડતા ગોતામાં રહેતા વેપારીએ નવરંગપુરામાં ઓફિસ ધરાવતા બે શખ્સોનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ ચાર કરોડની લોન માટે પ્રોસેસિંગના ૧૬ લાખ રૃપિયા લઈને છેતરપિંડી કરી હતી. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગોતા ઓગણજ રોડ પર બનાસ ડબલ્યુ વીર સાવરકર હાઈટ્સ-૨ ખાતે રહેતા બિંદેશભાઈ આર.આચાર્ય(૩૧) બાવળા ખાતે બિલ્ડીંગ મટીરીયલ્સ વેચવાનો વ્યવસાય કરે છે. તેમને ધોળકા સઈજ રોડ પર સઈજ ગામની સીમમાં તેમના સંબંધીની જમીન પર સોસાયટી બનાવવા કન્સ્ટ્રક્શનનું કામ કરવાનું હોવાથી ચાર કરોડની લોનની જરૃર હતી. દરમિયાન ડિસેમ્બર ૨૦૨૦માં તેમના મિત્ર સંદીપભાઈનો સંપર્ક કરતા તેમણે નવરંગપુરા આશ્રમ રોડ પર સાકાર-૭ ખાતે લાખાણી કન્સલ્ટન્સી પ્રા.લી.ના મેનેજર મનજી ઉર્ફે માનસંગભાઈ ડી.ચૌધરી તથા ડિરેક્ટર આરીફ ઉર્ફે રાજુ કે.લાખાણી લોન કરી આપે છે, એમ કહ્યું હતું. તે સિવાય બન્ને આરોપીઓએ સુરેશભાઈ એસ.પટેલ અને બિરદારામ કે.ચૌધરી પાસેથી પણ લોન કરી આપવાને બહાને પૈસા લીધા હોવાનું બિંદેશભાઈએ ફરિયાદમા જણાવ્યું છે. સુરેશભાઈ અને બિરદારામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંઆ અંગે અરજી પણ આપી છે.

(5:21 pm IST)