Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

વિશ્વના ૫૬ રાષ્ટ્રોના પોલીસ અધિકારીઓ સહભાગી થયા

ગાંધીનગરમાં ઇન્ટરપા કોન્ફરન્સ શરૂ થઇ : સાયબર સિક્યુરિટી અને અન્ય પાસાઓ ઉપર ચર્ચા થશે

અમદાવાદ,તા.૧૧ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાયબર ક્રાઇમની વૈશ્વિક સમસ્યા સામે સાયબર સિકયુરિટીના સઘન પગલાંઓ અને ન્યુ એપ્રોચીસના સહિયારા પ્રયાસોની હિમાયત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સાયબર ક્રાઇમ એ કોઇ એકાદ રાષ્ટ્રની નહિં પરંતુ વિશ્વની પડકારરૂપ સમસ્યા બની છે અને આ સમસ્યાને નિપટવા તથા તેની સામે સજ્જ થવા સૌ સાથે બેસીને વિચાર મંથન કરે તે સમયની માંગ છે. ડિઝીટલી કનેકટેડ વિશ્વમાં સાયબર ક્રાઇમ અને સાયબર એટેક સમગ્ર માનવજાત માટે ખતરો છે એમ પણ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી ગાંધીનગરમાં યોજાઇ રહેલી આઠમી ઇન્ટરપા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. આ કોન્ફરન્સનું આયોજન ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ પોલીસ એકેડેમીઝ અને ગુજરાત ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીના ઉપક્રમે ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી દરમ્યાન ગાંધીનગરમાં થયું છે. ૫૬  રાષ્ટ્રોના ૧૦૦ થી વધુ સિનીયર પોલીસ અફસરોએ આ પરિષદ માટે નોમિનેશન કરાવેલું છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, પાછલા બે દાયકાથી સાયબર થ્રેટસ અને સાયબર ક્રાઇમે અતિગંભીર સ્વરૂપ લઇ લીધું છે. એટલું જ નહી, ડિઝીટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગને પરિણામે હવે બધી જ માહિતી અને વિગતો ડિઝીટલી મેનેજ થવાને કારણે નાગરિકોની સુવિધા વધી છે. સામે પક્ષે સાયબર ક્રાઇમ પણ એટલી જ ઝડપે વધતા જાય છે. વિજય રૂપાણીએ એમ પણ ઉમેર્યુ કે, સાયબર ક્રાઇમે દેશના નાગરિકોની પ્રાયવસી સામે પણ પડકાર ફેકયો છે તેમજ નાણાંકીય ઉચાપતોથી લઇને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓને પણ ચેલેન્જ કરી છે. આ સમસ્યા માત્ર ભારત જ નહિ અન્ય રાષ્ટ્રો પણ અનુભવી રહ્યા છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, સાયબર સ્પેસમાં ઉપલબ્ધ ડેટાની સુરક્ષા-જાળવણી અને સંભવિત સાયબર એટેકથી તેને સુરક્ષિત રાખવા ઇન્ટરપાના સહભાગી રાષ્ટ્રો સામૂહિક વિચાર વિમર્શથી નક્કર પરિણામોની દિશામાં આગળ વધે તે સમયની માંગ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકસતા જતા આ યુગમાં ગૂનેગારોની ગુન્હાખોરી  અંગેની માનસિકતા પણ બદલાઇ છે ત્યારે તેની સામે સખ્તાઇથી પેશ આવીને આવી ગુન્હાખોરી  અટકાવવી એ સરકારોનું દાયિત્વ છે. તેમણે ગુજરાત ભારતના અર્થતંત્રનું મહત્વપૂર્ણ રાજ્ય છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કરતાં એમ પણ જણાવ્યું કે, વાયબ્રન્ટ સમિટની સફળતાને પગલે હવે ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ગુજરાતમાં સાયબર ક્રાઇમ અને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ અટકાવવાની પ્રતિબધ્ધતા સાથે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લીધેલા ઇનીશ્યેટીવ્ઝની છણાવટ કરી હતી. વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, ગુજરાતે રક્ષાશકિત યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને નેશનલ લૉ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ શરૂ કરીને ગુનાખોરી નિવારણ માટેની સજ્જતા કેળવી છે. તેમણે પોલીસ, ફોરેન્સીક સાયન્સ અને જ્યુડીશ્યરી ત્રણેયને ક્રિમીનલ જસ્ટીસ ડીલીવરી સિસ્ટમના મહત્વપૂર્ણ અંગે ગણાવતાં એવો સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, કોઇપણ રાષ્ટ્રમાં જેટલા આ ત્રણ સ્થંભો મજબૂત હશે તેટલા તે રાષ્ટ્રોના નાગરિકો સલામત-સુરક્ષિત રહી શકશે.

(9:34 pm IST)
  • બેંગ્લોરમાં રાત્રે ૮.૩૦ સુધીમાં સવા બે ઇંચ વરસાદ પડ્યો :૨૦૧૯ ના વર્ષના વરસાદની અભૂતપૂર્વ રમઝટ સાથે શરૂઆત. :છેલ્લા ૧૦ વર્ષમાં બેંગ્લોરમાં પડેલો આ સૌથી ભારે વરસાદ છે. access_time 10:58 pm IST

  • રાજસ્થાનમાં ગુર્જર આંદોલન હિંસક બન્યું :ધૌલપુરમાં પોલીસ પર પથ્થરમારો :પોલીસની ગાડીઓમાં આગ લગાડાઇ :ભરતપુર જિલ્લાના ધૌલપુરમાં પ્રદર્શકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :પોલીસ પાર પથ્થરમારો કરાયો :ગાડીઓ પણ સળગાવી access_time 1:26 am IST

  • ર૦૦૩ ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં મોતની સજા પામેલા હનીફ સૈયદનું મૃત્યુ : નાગપુર : નાગપુરની સેન્ટ્રલ જેલમાં કેદ ર૦૦૩ ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોતની સજા પામેલા ૩ દોષિતોમાંથી એક એવા મોહમ્મદ હનીફ સૈયદ શનિવારે એક હોસ્પીટલમાં મૃત્યુ થયુ હતું. સૈયદ, તેની પત્ની ફહમીદા અને ત્રીજા કાવતારા ખોર અશરત અંસારીને પોટા કોર્ટે ર૦૦૯ માં બોમ્બ બ્લાસ્ટ માટે કસૂરવાર ઠેરવ્યા હતાં. આ બ્લાસ્ટરમાં પર લોકો માર્યા ગયા હતાં. access_time 3:42 pm IST