Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ચૂંટણી તૈયારી જારી : આજે અમિત શાહની અધ્યક્ષતામાં સંમેલન થશે

પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર બેઠકોનું ક્લસ્ટર સંમેલન : અમિત શાહ આજે અમદાવાદથી મેરા પરિવાર ભાજપ પરિવાર અભિયાનને રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવશે : સવારે ભાજપ ધ્વજનું ધ્વજારોહણ કાર્યક્રમ થશે

અમદાવાદ,તા.૧૧ : લોકસભા ચૂંટણીને લઇને ભાજપે જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરુપે આવતીકાલે જુદા જુદા કાર્યક્રમો યોજાનાર છે. આના ભાગરુપે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં આવતીકાલે તારીખ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૧૯ મંગળવારના રોજ ગોધરા ખાતે પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપૂર લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલન યોજાશે. બપોરે ૨.૦૦ કલાકે એસ.આર.પી. ગ્રાઉન્ડ, શહેરા રોડ, ગોધરા ખાતે પ્રારંભ થનાર ક્લસ્ટર સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી  વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર તથા પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે આ ક્લસ્ટર સંમેલનોમાં લોકસભા મતવિસ્તારના લોકસભા સીટના પ્રભારી, ઇન્ચાર્જ-સહઇન્ચાર્જઓ, લોકસભા સીટના વિસ્તારકો, સંકલન સમિતિના સભ્યઓ, પ્રદેશ પદાધિકારીઓ, પ્રદેશ કારોબારી સભ્યઓ, મંડલ પદાધિકારી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડેલા ઉમેદવારઓ, પ્રદેશ અને જીલ્લા/મહાનગરના મોરચા પદાધિકારીઓ, મંડલ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ-પ્રભારીઓ, બોર્ડ-નિગમના પદાધિકારીઓ તથા પૂર્વ સાંસદ-ધારાસભ્યઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે. બીજી બાજુુ ભાજપા મીડિયા સેલની યાદી જણાવે છે કે, ભાજપા દ્વારા આવતીકાલ તારીખ ૧૨ ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં 'મેરા પરિવાર - ભાજપા પરિવાર' અભિયાન શરૂ થવા જઇ રહ્યુ છે. જે અંતર્ગત ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ ખાતે સવારે ૯.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને ભાજપાના ધ્વજનું ધ્વજારોહણ કરશે. ત્યારબાદ સવારે ૧૦.૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ અમદાવાદ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 'મેરા પરિવાર - ભાજપા પરિવાર'ના દેશ વ્યાપી અભિયાનનો શુભારંભ કરી દેશભરના કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન આપશે. ઉપરોક્ત કાર્યક્રમોમાં ભાજપા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પ્રદેશ અગ્રણીઓ, અમદાવાદ જીલ્લા/મહાનગરના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહેશે.

(8:30 pm IST)