Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ગાય-ગૌચરના મુદ્દે રાજયમાં ઉગ્ર આંદોલન કરવા ચિમકી

ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા ઉગ્ર માંગણી : આગામી દસ દિવસમાં મુખ્યમંત્રી રૂપાણીને આવેદનપત્ર અપાશે : ઓબીસી, એસસી-એસટી એકતા મંચની ઘોષણા

અમદાવાદ,તા. ૧૧ : ગુજરાતમાં કરોડો હેકટર જમીન ગૌચરની અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને પાણીના ભાવે ફાળવાઇ ગઇ છે અને તેની પર મોટાપાયે ગેરકાયદે દબાણો થઇ ગયા છે, જેના પરિણામે, માલધારી સમાજ સહિતના લોકોનું પશુધન અને તેના આધારે તેમનુ અસ્તિત્વ ટકાવવુ ખૂબ મુશ્કેલ બની ગયું છે ત્યારે હવે ગાય અને ગૌચર મુદ્દે રાજયભરમાં ઉગ્ર આંદોલન છેડવાની બહુ મહત્વની જાહેરાત આજે ઓબીસી, એસસી-એસટી લઘુમતી એકતા મંચના ઉપપ્રમુખ મુકેશભાઇ ભરવાડે કરી હતી. એટલું જ નહી, તેમણે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની ઉગ્ર માંગણી કરી હતી અને આગામી દિવસોમાં રાજયના વિવિધ જિલ્લા-તાલુકા કક્ષાએ ગાયોને લઇ સરકારી કાર્યક્રમોમાં હાજરી સહિતના અનેક આશ્ચર્યકારક કાર્યક્રમો આપવાનું એલાન કર્યું હતું. આગામી દસ દિવસમાં આ સમગ્ર મામલે ઓબીસી, એસસી-એસટી લઘુમતી એકતા મંચ દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આવેદનપત્ર આપવામાં આવશે. રાજયમાંથી ગૌચરની જમીનો ગાયબ થવાના મુદ્દે અને ગાયોની કતલ અને માલધારી સહિતના પશુપાલકોને પોલીસ સહિતના સત્તાધીશોની પજવણીને લઇ ઓબીસી, એસસી-એસટી લઘુમતી એકતા મંચના ઉપપ્રમુખ મુકેશભાઇ ભરવાડે સરકાર પર ચાબખા વરસાવતાં જણાવ્યું હતું કે, વર્ષોથી ગાયો અને ગૌચર મુદ્દે અમારી માંગણી સરકાર સમક્ષ રજૂ કરતા આવ્યા છીએ પરંતુ સરકારે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી, તાજેતરમાં ગૌચરની જમીનો પરથી દબાણો દૂર કરવા અંગે સરકારે પરિપત્ર કર્યો છે, તેને અમે આવકારીએ છીએ પરંતુ તે માત્ર ચૂંટણીલક્ષી બનીને ના રહી જાય તે જોવા સરકારને ખાસ અનુરોધ છે. જો ચૂંટણી પૂરતો જ આ પરિપત્ર કરાયો હશે અને ત્યારપછી તેની કોઇ અમલવારી નહી થાય તો, ઓબીસી, એસસી-એસટી લઘુમતી  એકતા મંચ દ્વારા રાજયવ્યાપી આંદોલન છેડવામાં આવશે. જો કે,ગાયને રાષ્ટ્રીય પશુજાહેર કરવાની અને રાજયની તમામ ગૌચરની જમીન માલધારી સમાજ સહિતના પશુપાલકોને પરત અપાવવાની અમારી માંગણી યથાવત્ છે. ઓબીસી, એસસી-એસટી લઘુમતી એકતા મંચના ઉપપ્રમુખ મુકેશભાઇ ભરવાડના નેજા હેઠળ આજે સેંકડો માલધારી સમાજ સહિતના વિવિધ સમાજના આગેવાનો, ૨૫થી વધુ ગામોના સરપંચો સહિતના અગ્રણીઓ આજના કાર્યક્રમમાં જોડાયા હતા અને આંદોલનને ટેકો જાહેર કર્યાે હતો. આજના કાર્યક્રમ દરમ્યાન સરકારે જાહેર કરેલા પરિપત્રને સમાજની જીત ગણાવી ઉપસ્થિત યુવાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી પોતાની ખુશીની લાગણી વ્યકત કરી હતી.

સરકારને ચેતવણી મળી

ગાયોના નામે મત માંગતી સરકાર ચેતી જાય

એસસી-એસટી લઘુમતી એકતા મંચના ઉપપ્રમુખ મુકેશભાઇ ભરવાડે રાજય સરકારે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, ગાયોના નામે મતો માંગતી ભાજપ સરકાર સાનમાં સમજી જાય. ગાયના મુદ્દે અમે કોઇપણ રીતે સમાધાન નહી કરીએ. ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરો એ અમારી ફાઇનલ માંગણી છે. ગાયોના નામે સરકાર મતો માંગે છે અને બધુ રાજકારણ કરે છે પરંતુ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં કોની રાહ જોવાય છે.

અદાણી કરતાં સો ગણાં ભાવો આપીએ પણ ગૌચર પાછી આપો

રાજયની કરોડો હેકટર જમીન અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને પાણીના ભાવે આપી દેવાઇ છે તો, કેટલીયે ગૌચર પર ગેરકાયદે દબાણો થઇ ગયા છે ત્યારે રાજય સરકાર પશુપાલકોને તેમની ગૌચર જમીન કોઇપણ ભોગે પાછી અપાવે, અમે અદાણી કરતાં સો ગણાં ભાવો ગૌચરની જમીનના ચૂકવવા તૈયાર છે. માલધારી સમાજ સહિતના પશુપાલકોના સંતાનોના શિક્ષણ માટે શાળા-કોલેજો અને હોસ્ટેલ બનાવવા માટે પણ સરકારે યોગ્ય જમીન ફાળવવી જોઇએ. ગાયના ભોગે અમે કોઇપણ સમાધાન કરવાના મૂડમાં નથી.

(8:22 pm IST)
  • રાજસ્થાનમાં ગુર્જર આંદોલન હિંસક બન્યું :ધૌલપુરમાં પોલીસ પર પથ્થરમારો :પોલીસની ગાડીઓમાં આગ લગાડાઇ :ભરતપુર જિલ્લાના ધૌલપુરમાં પ્રદર્શકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :પોલીસ પાર પથ્થરમારો કરાયો :ગાડીઓ પણ સળગાવી access_time 1:26 am IST

  • વિડીયો : નોટબંધી ને બે વર્ષ ઉપરાંત થવા આવ્યા છતાં હજુ જૂની ચલણી નોટો પકડાઈ રહી છે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પોલીસે ત્રણ કરોડથી વધારેની હજાર અને પાંચસોની બંધ થઈ ગયેલી જૂની ચલણી નોટો સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા છે. આ જૂની ચલણી નોટો મુંબઈથી નવસારીમાં નવસારીમાં, નવી નોટો સામે બદલાવવા માટે આવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતું. હવે એક બહુ મોટો પ્રશ્ન પોલીસ અને પ્રશાસન સામે આવી રહ્યો છે કે આખિરકાર આ જૂની ચલણી નોટોને નવી નોટો સામે કોણ બદલી આપે છે?? (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:38 pm IST

  • અમદાવાદ: રૂપિયા 260 કરોડ ઓનલાઇન છેતરપીંડીનો મામલો :CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવી શાહને તપાસ માટે મિર્ઝાપૂર કોર્ટેમાં ટ્રાન્સફર વોરંટથી અટકાયતની કરી માગ : કોર્ટે ભાર્ગવી શાહની અટકાયત માટેનો આદેશો આપ્યો access_time 12:23 am IST