Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

શંખલપુરમાં બહુચર માતાજીના મંદિરે પ૧ લાખના ખર્ચે રજવાડી ગેટનું નિર્માણ: બુધવારથી બે દિવસ છઠ્ઠો પાટોત્સવ

બહુચરાજી તાલુકાના પવિત્ર યાત્રધામ શંખલપુર ખાતે બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરને આદ્યસ્થાનકમાં પ્રતિમારૂપે સ્થાપન નિમિત્તે તા.૧૩ અને ૧૪ ફેબ્રુઆરીના રોજ છઠ્ઠો પાટોત્સવ યોજાનાર છે. જેમાં માતાજીના મંદિરને શોભાવતા પ૧ લાખના ખર્ચે તૈયાર રજવાડી પ્રવેશદ્વાર સહિતનું લોકાર્પણ કરવામાં આવશે.

શંખલપુરની પવિત્ર ધરા ઉપર પર૦૦ વર્ષ પ્રાચીન મંદિરમાં આજથી ૬ વર્ષ અગાઉ બહુચર માતાજીને મૂર્તિરૂપે બિરાજમાન કરાયાં હતાં. જેના ભાગરૂપે છઠ્ઠો પાટોત્સવ યોજાનાર છે. પાટોત્સવના પ્રથમ દિવસે ૧૩મી ને બુધવારે સવારે ૮ કલાકે મોરબીના માઈભક્ત નરભેરામભાઈ સોરિયાના હસ્તે ધ્વજારોહણ અને સુવર્ણ મુખારવિંદની પૂજાવિધિ થશે. ૯ વાગે આદીવાડાના દાતા મહેન્દ્રભાઈ એલ.પટેલના હસ્તે લીફટનું લોકાર્પણ કરાશે.

   સવારે ૯ વાગે યજ્ઞનો પ્રારંભ થશે. જ્યારે સવારે ૧૦ વાગે મંદિરના રજવાડી મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ દાતા અને ઉદ્યોગપતિ ર્ડા.કરસનભાઈ કે.પટેલ (નિરમા) ના હસ્તે કરાશે. નિરમા પરિવાર દ્વારા પ્રવેશ દ્વારા માટે રૂ.પ૧ લાખનું દાન અપાયું છે.

  આ પ્રસંગે યોજાનાર સમારંભમાં જૂનાગઢ ભારતી આશ્રમના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી મહારાજ (ભારતી બાપુ) અને આદીવાડા માધવાનંદ આશ્રમના સ્વામી બ્રહ્માનંદ સાગરજી મહારાજ આશીર્વચન પાઠવશે. બુધવારે સવારે ૧૧-૩૦ કલાકે આંનદગરબા મહાધૂનનો ર્ડા.કે.કે.પટેલ મંગલદીપ પ્રગટાવી પ્રારંભ કરાવશે, ર૪ કલાકની આ અખંડ મહાધૂનની પૂર્ણાહુતિ તા. ૧૪મી ને ગુરવારે સવારે ૧૧-૩૦ કલાકે થશે. માતાજીના પાટોત્સવ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં માઈભક્તો મૈયાના દર્શન માટે ઉમટી પડનાર હોઈ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે.

(1:36 pm IST)