Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

મોદીના વડનગરથી હજારો વર્ષ પહેલા મ.પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં માલની નિકાસ થતી

ખોદકામથી મળેલી ચીજોથી મળ્યા પુરાવા : બંગળી - ઘરવપરાશની ચીજો એકસપોર્ટ થતીઃ ગુજરાતી પ્રજા હજારો વર્ષથી વેપારી પ્રજા હતી

નવી દિલ્હી તા. ૧૧ : એક સંશોધનમાં એવો ખુલાસો થયો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ ટાઉન વડનગરથી હજારો વર્ષ પહેલા મધ્યપ્રદેશ - મહારાષ્ટ્ર જેવા અન્ય વિસ્તારોમાં બંગડીથી લઇને ઘર વપરાશની અન્ય ચીજોની નિકાસ થતી હતી.

જો કોઈ કહે કે ગુજરાતીઓ એટલે પાક્કા વેપારી તો તેમાં કદાચ કંઈ જ અતિશયોકિત કે ખોટું નથી. આપણે ત્યાં વેપાર ૧૦૦-૨૦૦ કે ૫૦૦ વર્ષ નહીં પણ પૌરાણિક કે તેનાથી પણ જૂના ઐતિહાસિક કાળથી ચાલ્યો આવે છે અને તેના પુરાવા પણ હવે મળી ગયા છે. ગુજરાતની ઐતિહાસિક નગરી જેને ગણવામાં આવે છે તેવા વડનગરમાં થયેલા ખોદકામથી અનેક ઐતિહાસિક વસ્તુઓ મળી છે જે દર્શાવે છે કે સિંધુ ખીણ સભ્યતા જેવી જ એક સુસંસ્કૃત અને વિકાસશીલ સભ્યતા અહીં અસ્તિત્વ ધરાવતી હતી. તાજેતરમાં એક આંતરાષ્ટ્રીય પબ્લિકેશનમાં આ મહિનાની શરુઆતમાં આવેલ અહેવાલ મુજબ વડાપ્રધાન મોદીનું આ ગામ તેના ઐતિહાસિક સમયમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા ભારતના અન્ય વિસ્તારોમાં બંગળીથી લઇને અન્ય ઘર વપરાશની વસ્તુઓ એકસપોર્ટ કરતું હતું.

આર્કીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડે. સુપ્રિટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટ ડો. અભિજિત આમ્બેકર દ્વારા લખવામાં આવેલ આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક ખોદકામ અને નિરક્ષણમાં જ માલુમ પડ્યું છે કે ઐતિહાસિક કાળમાં પણ વડનગરમાં શંખ અને છીપલામાંથી બંગળી અને બીજી ઘર વપરાશની તેમજ સુશોભનની વસ્તુઓની ઇન્ડસ્ટ્રી ધમધોકાર ચાલતી હતી. આ અહેવાલમાં તેમના સહલેખકો ડો. આરતી દેશપાંડે મુખર્જી વડનગર ખાતે કરવામાં આવેલ ખોદકામ ટીમના સભ્યો હતો. તેમનો અહેવાલ ન્યુઝલેટર ઓફ આર્કિયોમાલાકોલોજી વર્કિંગ ગ્રુપ (AMWG) કે જે કેલિફોર્નિયાની એલેકઝાન્ડ્રિયા આર્કાઇવ્સ ઇન્સ્ટિટ્યુટ દ્વારા માન્યતા પ્રાપ્ત છે.

આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અહીં છીપમાંથી બંગળી બનાવવાની ઇન્ડસ્ટ્રીના પુરાવા પ્રાગ ઐતિહાસિક કાળ(ઇ.સ. પૂર્વે ૧-૨ સદી)થી લઇને મધ્યકાલિન ઇતિહાસના શરૂઆતના તબક્કા (૧૧-૧૩ સેન્ચ્યુરી સુધી) મળે છે. પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે કે અહીંથી સૌથી નજીકના એવા કચ્છના અખાતમાંથી ઉત્ત્।મ ગુણવત્તાના છીપ લઈ આવવામાં આવતા હતા અને તેના પર કાળીગરી કર્યા બાદ આ ફાઇનલ પ્રોડકટ મધ્યપ્રદેશથી લઈને મહારાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં વેચવામાં આવતી હતી. તેમજ મળી આવેલ અવશેષો પરની કોતરણી જોતા તે સમયે ખૂબ આ ઇન્ડસ્ટ્રીનો ખૂબ જ વિકાસ થયો હશે અને કામની બારિકી જોતા કારીગરો પણ ખૂબ જ હાઈ સ્કિલ્ડ ધરાવતા હશે.

આ ઉપરાંત શંખને કાપીને પણ જુદા જુદા તેના ઉપયોગ તેમજ ઘરવપરાશની વસ્તુઓ બનાવવામાં આવતી હોવાના પુરાવા સંશોધકોની ટીમને મળ્યા છે. શહેરના શર્મિષ્ઠા તળાવ પાસેથી મળી આવેલ શંખમાંથી બનેલી એક તકતી કારીગરીનો ઉત્તમ નમૂનો છે. આ તકતીમાં બે મુખ્ય ભાગ જોવા મળે છે જેમાં ઉપરની તરફ ખૂબ જ બારિકીથી કોતરણી કરવામાં આવી છે જયારે નીચેનો ભાગ શંખને દર્શાવે છે. સંશોધકો મુજબ ક્ષત્રપના સમયગાળા પહેલાના આ અવશેષ જે તે સમયની સામાજીક સમૃદ્ઘતા તેમજ વેપારની સમૃદ્ઘતાને દર્શાવે છે.

તરંગા ટેકરીઓની આસપાસ કામ કરી રહેલ ASIની ટીમને અહીંથી ખોદકામ દરમિયાન એક રાઉન્ડ સીલ મળી આવ્યું છે. સંશોધકો મુજબ આવા જ પ્રકારનું એક સીલ બિહારના અંતિચક્ર ખાતેથી પણ મળી આવ્યું હતું. જે દર્શાવે છે કે પ્રાગ ઐતિહાસિક કાળમાં પણ ભારતનો આંતરરાજય વેપાર ખૂબ જ ઉંચાઈ પર હશે તેમજ જુદા જુદા બૌદ્ઘ સ્થળો વચ્ચે પણ આપલે ચાલતી હશે. નિષ્ણાંતો મુજબ આ બંને સીલના સમયગાળો ૯-૧૦મી સદી માનવામાં આવે છે.(૨૧.૧૧)

 

(11:35 am IST)
  • સુરત-શારજાહની ફ્લાઈટ ઉડાવશે મહિલા પાયલટ ;સુરતની સિનિયર પાયલટ જસ્મિન ઉડાવશે એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટ ;16 ફેબ્રુઆરીએ ફ્લાઈટ લઈને આવશે સુરત access_time 9:25 pm IST

  • સુરતના ભાજપના કોર્પોરેટરનો લાંચ લેવાનો મામલો: જયંતિ ભંડેરીના બેંક ખાતાની તપાસ:એસીબીએ બે બેંકના લોકરમાં તપાસ કરી:વરાછા કો ઓપ. બેંકમાં 16 તોલા સોનુ જપ્ત:દેના બેંકનું ખાતું સીલ કરી ઓપરેટ નહિ કરવા આદેશ access_time 9:13 pm IST

  • કાશ્મીરમાં સેના બની દેવદૂત :બરફમાં દોઢ કિલોમીટર સુધી ગર્ભવતી મહિલાને સ્ટ્રેચર પર લઈને ગયા જવાનો :બેલડી બાળકીઓને આપ્યો જન્મ :ભારે બરફવર્ષા અને ખરાબ હવામાન વચ્ચે માઇનસ 7 ડિગ્રીથી ઓછા તાપમાનમાં ભારતીય સેનાની કાબિલેતારીફ કામગીરી access_time 1:25 am IST