Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

અનોખી રેસ્ટોરન્ટ : ૪૦ પ્રકારની મળે છે ખીચડી

૧૦૦થી લઇને ૨૦૦ - ૨૫૦ સુધીની મળે ખીચડી : અમદાવાદમાં ધુમ મચાવ્યા બાદ હવે રાજકોટમાં આવે છે આ રેસ્ટોરા

અમદાવાદ તા. ૧૧ : સૌરાષ્ટ્રવાસીઓને જો સૌથી વધારે ભાવતી હોય તો તે ખીચડી છે. દરેક ઘરમાં બેથી ત્રણ દિવસે ખીચડી બને છે. આ ખીચડી કેટલા પ્રકારની હોય છે તેની ખબર છે? અમદાવાદમાં એક રેસ્ટોરા છે જ્યાં ૪૦ પ્રકારની ખીચડી મળે છે. ટુંક સમયમાં આ રેસ્ટોરન્ટ રાજકોટમાં પણ ખુલશે.

આમ તો ગુજરાતી પ્રજા સ્વાદપ્રેમી છે. ટેસ્ટની સાથે મજા આવે એટલે ગુજરાતીનું પેટ ભરાઈ જાય. ખાણી-પીણીની વાત આવે ત્યારે અમદાવાદનું નામ અચૂક આવે. માણેકચોકથી લઈને મોટી હોટેલ સુધી ફૂડનો દરેક ટેસ્ટ અમદાવાદમાં મળી રહે છે. પાણીપુરીથી લઈને પિઝા સુધી અને શિયાળામાં ખીચુંથી લઈને ખીચડી સુધી દરેક વાનગી અહીં સરળતાથી પ્રાપ્ય છે. એ પણ દરેકને પોસાય એટલા બજેટમાં. આમ તો દરેકને સાબુદાણાની ખીચડી અને મગ-ચોખાની ખીચડી ભાવતી હોય છે. પણ અમદાવાદની એક રેસ્ટોરાંમાં ૪૦ જેટલી જુદા જુદા પ્રકારની ખીચડી મળે છે.

ખીચડી ઈટીસી રેસ્ટોરાંના માલિક ગૌરવભાઈ જણાવે છે કે, જે લોકો પોતાનું ઘર છોડીને અમદાવાદમાં કામ કરે છે તેઓને ઘર જેવું જમવાનું આપવું હતું. એટલે ફૂડ બિઝનેસમાં એન્ટ્રી કરી. પછી એમ થયું કે લોકોને કંઈક નવી ખીચડી ખવડાવીએ. દરેકનો ટેસ્ટ ધ્યાને રાખીને ટેસ્ટી ખીચડી બનાવવા જુદા જુદા પ્રયોગો કર્યા. ખીચડીને લોકો માંદાઓનું જમવાનું માનતા હોય છે પણ આ માન્યતા ખોટી પાડવી હતી. પછી ખીચડીને થોડી હેલ્ધી બનાવી અને સાથે સાથે બીજા ફૂડમાં પણ પ્રયોગ શરૂ કર્યા

જયારે ખીચડી ઈટીસીની શરૂઆત તા. ૧ નવેમ્બર ૨૦૧૭માં કરી ત્યારે અમે ૧૮ પ્રકારની ખીચડી બનાવી હતી. ચાર મહિના ખુબ હોમવર્ક કર્યુ. રેસિપી બનાવવામાં અને માણસો તથા શેફ શોખવામાં પણ ઘણો સમય વીત્યો. આ તમામ ખીચડી ખૂબ હેલ્ધી છે. શુદ્ઘ ઘીમાં બનેલી છે. કોઈ પ્રકારની મિલાવટ નથી. અહીં ખાસ વાત એ છે કે, રેસ્ટોરાંમાં કોઈ પ્રકારનું સોફટ ડ્રિંકસ નથી રાખતા. દેશી-ટાઢી છાશ પીવડાવીએ છીએ. તે હેલ્ધી પણ છે અને સરળ પાચક પણ છે. આ ઉપરાંત રાંધવામાં કયાંય અમે મેંદો વાપરતા નથી. ઘઉં, દાળ અને ચોખાનો ઉપયોગ કરીએ છીએ. આ રીતે નવરંગપુરામાં એક રેસ્ટોરાં શરૂ કરી.

જયારે શરૂઆત હતી ત્યારે લોકોને ફ્રીમાં ખીચડી ખવડાવતા. લોકોને એમ કહેલું છે કે, તમને ટેસ્ટ યોગ્ય ન લાગે તો પૈસા ન આપતા. એક મહિનામાં અમારે ત્યાં ૭૦૦ જેટલા લોકો ફ્રીમાં જમ્યા હતા. એ લોકોમાંથી સજેશન મળ્યા અને લોકોની દરેક કોમેન્ટ પર ધ્યાન આપ્યું. પછી લોકોને ટેસ્ટ ગમતો ગયો અને લોકો આવતા ગયા. પહેલા એવું હતું કે ખીચડી થોડી ખવાય? હવે જુદા જુદા ટેસ્ટમાં ખીચડી મળે છે એટલે લોકો હોંશથી જમે છે.

જયારે બેગ્લુરું ગયો હતો ત્યારે એક કોન્સેપ્ટ ત્યાં જોયો. એક હોટેલમાં ડિફેન્સના લોકોને ફ્રીમાં જમાડતા હતા. કોઈ પણ વાનગી પર કોઈ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવતો ન હતો. આ જોઈને એવું થયું કે, આપણે પણ આવું કરવું જોઈએ. જેથી દેશ અને સૈન્યની યથાશકિત સેવા થઈ શકે. માત્ર બોર્ડર ઉપર જઈને જ દેશ સેવા કરી શકાય એવું નથી, દેશમાં રહીને પણ દેશની સેવા કરી શકાય છે. રેસ્ટોરાંમાં એવો કોઈ પરિવાર આવે ત્યારે તેણે પોતાનું એક માત્ર આઈકાર્ડ બતાવવાનું રહે છે એટલે અમે તેમને પૂરા માન-સન્માન સાથે તેઓ જે વાનગી ઓર્ડર કરે છે તે જમાડીએ છીએ. એમનું કોઈ દિવસ બિલ પણ બનાવતા નથી એટલે ચાર્જ વસુલાતો નથી. આ પ્રયોગની એક જ વર્ષમાં સારી એવી સફળતા મળી.

લોકોને ખીચડીને સ્વાદ પસંદ પડ્યો એટલે એકમાંથી બે અને બે માંથી ચાર એમ કરતા પાંચ રેસ્ટોરાં અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં શરૂ કરી. હવે અમદાવાદ સિવાય બીજા શહેરોમાં પણ રેસ્ટોરાં શરૂ કરવાના છીએ. જેમાં સુરત, વડોદરા, રાજકોટ, મુંબઈ અને ઈન્દોર જેવા શહેરનો સમાવેશ થાય છે. ટૂંક જ સમયમાં અહીં ખીચડી ઈટીસી શરૂ થશે. હાલ અમદાવાદ સિવાય સુરતમાં આ ખીચડી ઈટીસી શરૂ કરી છે. લાઈટ ફૂડ અને સારી હેલ્થ રહે એ હેતુંને વગળી રહ્યા છીએ. અમદાવાદમાં પ્રહલાદનગર, નવરંગપુરા, વ સ્ત્રાપુર, મણીનગર અને ચાંદખેડામાં ખીચડી ઈટીસી જોવા મળશે. હાલમાં અમારે ત્યાં ૪૫ જેટલા લોકો કામ કરી રહ્યા છે. આ વિસ્તારમાંથી કોઈ પણ જગ્યાએ જમો એક જ પ્રકારનો ટેસ્ટ લાગશે. એક મહિના સુધી ટ્રેનિંગ આપ્યા બાદ બીજે શિફટ કરીએ છીએ.

દરેક જગ્યાએ એક જ સરખા ટેસ્ટ પાછળનું ગણિત એ છે કે, એક તો બનાવનાર તાલિમ પામેલા છે અને ખીચડી માટેનું રો મિટીરિયલ જેને કહેવાય એ એક જ જગ્યાએથી બઘે મોકલવામાં આવે છે.એ પછી ઘી હોય કે ઘઉંનો લોટ. જવાનોના પરિવાર અહીં આવીને ખુબ ખુશ થાય છે. એક પરિવારે જણાવ્યું હતું કે, આવો કોન્સેપ્ટ ભાગ્યે જ જોવા મળે છે. એ પરિવાર પછી આર્મીનો હોય, નેવીનો હોય કે એરફોર્સનો હોય માત્ર એમના આઈકાર્ડથી જમાડીએ છીએ. આ સિવાય પણ અનેક વખત ડિફેન્સના નિવૃત જવાન તથા અધિકારીઓ મુલાકાત લઈ ચૂકયા છે. માત્ર ગુજરાતની જ નહીં પણ દેશની કોઈ પણ રેસ્ટોરાં દેશના જવાનો માટે આવો કોન્સેપ્ટ અપનાવી શકે છે. આ સાથે તેમને એક રિટર્ન ગિફટ પણ આપવામાં આવે છે. તાજેતરની વાત કરવામાં આવે તો એનસીસી ગ્રૂપના ઈન્ચાર્જ અહીં આવી ચૂકયા છે અને અહીં ૨૬ જાન્યુઆરીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું.

અહીં તમને રૂ.૧૦૦થી લઈને ૨૦૦-૨૫૦ રૂ. સુધીની જુદી જુદી ખીચડી જમવા મળશે. જેમાં દાળ ખીચડી, અક્ષરધામ ખીચડી, સાદી ખીચડી, વઘારેલી ખીચડી, કાશ્મીરી, પંચકુટ્ટા, બાજરા, સાબુદાણાની ખીચડી, મસાલા ખીચડી જેવી અનેક ખીચડીનો સમાવેશ થાય છે.

(9:31 am IST)
  • અમદાવાદ: રૂપિયા 260 કરોડ ઓનલાઇન છેતરપીંડીનો મામલો :CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવી શાહને તપાસ માટે મિર્ઝાપૂર કોર્ટેમાં ટ્રાન્સફર વોરંટથી અટકાયતની કરી માગ : કોર્ટે ભાર્ગવી શાહની અટકાયત માટેનો આદેશો આપ્યો access_time 12:23 am IST

  • અમદાવાદ મેટ્રો ટ્રેન ચાલુ થાય તે પહેલાં જ મેટ્રો ટ્રેનના સામાનની ચોરી: મેનેજરે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ access_time 9:30 pm IST

  • અમદાવાદ : નવરંગપુરા વિસ્તારમાં PCBએ જુગારધામ પર દરોડા કરીને 12 શખ્સોની અટકાયત : જુગારધામ પરથી રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબ્જે :વિજય ઠાકોર નામનો શખ્સ રમાડતો હતો જુગાર, એક માસથી જુગારધામ ધમધમતું હોવાનું ખુલ્યુ access_time 12:28 am IST