Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

લાખણી ગામે મગફળીની ખરીદી બાબતે ખેડૂતોમાં રોષ :કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ચક્કાજામ કરાયો

લાખણી પંથકના ખેડૂતોને ન્યાય અપાવવાની માંગણી

લાખણી ખાતે કાર્યરત ખરીદ કેન્દ્ર પર મગફળી રિજેક્ટ કરવા મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ પણ ખેડૂતોના સમર્થનમાં ચક્કાજામ કરી આ મામલે આકરો વિરોધ નોંધાવ્યો હતો. તાલુકા મથક લાખણી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ખરીદ કેન્દ્ર કાર્યરત છે.જોકે છેલ્લા કેટલાક દિવસથી કાળી ટિપકીના બહાને નાફેડ દ્વારા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરાઈ રહી હોઈ વિફરેલા ખેડૂતોએ મામલતદાર કચેરી આગળ મગફળી ભરેલા વાહનોનો ખડકલો કરી મામલતદારને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી હતી.જોકે હજુ આ મામલે કોઇ હકારાત્મક કાર્યવાહી થઈ નથી ત્યારે આજે લાખણી ખાતે પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા યોજાયેલા ચાલો ગ્રામ પંચાયત કાર્યક્રમ બાદ મગફળી રિજેક્ટ કરવાના મામલે એકાએક કોંગી કાર્યકરોએ ખેડૂતોના સમર્થનમાં રોડ ઉપર ઉતરી ચક્કાજામ કરી ભાજપ વિરોધી નારા લગાવ્યા હતા.કેટલાક કાર્યકરોએ વાહનો ઉપર ચઢી ભાજપ વિરોધી નારા લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મગફળી મુદ્દે લાખણી ખાતે યુથ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરાયા બાદ લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઇ દવેએ પણ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી લાખણી પંથકના ખેડૂતોને ન્યાય અપાવવાની માંગણી કરી હતી.

(11:56 pm IST)