Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

મહીસાગરમાં જાનૈયાઓનો ટેમ્પો પલ્ટ જતાં બેના મૃત્યું

રોડ પર જ ઇજાગ્રસ્ત મહિલા-બાળકો કણસતા રહ્યા : ઈજા પામેલાઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

અમદાવાદ,તા.૧૦ : રાજ્યમાં દિન પ્રતિદિન જીવલેણ અને ગમખ્વાર અકસ્માતોની સંખ્યા વધતી જાય છે, ત્યારે આજે મહિસાગરમાં લીમડીયા વીરપુર હાઇવે પર ટેમ્પામાં જઇ રહેલા જાનૈયાઓ માટે લોહિયાળ સાબિત થયો હતો. લીમડીયા વીરપુર હાઇવે પર આ ટેમ્પો અચાનક પલટી ખાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે વ્યકિતના કરૂણ મોત નીપજયા હતા. જયારે અન્ય ૪૦ જણાં ઘાયલ થયા હતા. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અકસ્માત સર્જાતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા, બીજીબાજુ, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવા માટે ૧૦૮ કે અન્ય વાહન આવે તે પહેલાં મહિલા, બાળકો સહિતના ઘાયલોને રોડ પર જ સૂવડાવાયા હતા અને ઇજાગ્રસ્તો કણસતી હાલતમાં જોવા મળ્યા હતા.      આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મહિસાગર જિલ્લામાં લીમડિયા-વીરપુર હાઇવે પર આજે સવારે એક ટેમ્પો ભરીને જાન જઇ રહી હતી, ત્યારે કોઇ કારણસર ટેમ્પો ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો ઉંધો વળી ગયો હતો. અચાનક ટેમ્પો પલટી ખાઇ જતાં અંદર બેઠેલા જાનૈયાઓ પણ ટેમ્પા નીચે દબાવાની સાથે જમીન પર જોરદાર પટકાયા હતા અને ઘસડાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યકિતના કરૂણ મોત નીપજયા હતા, જયારે ૪૦ જેટલા લોકો વત્તા ઓછા અંશે ઘાયલ થયા હતા. જેમાં મહિલા, બાળકો સહિતના લોકોનો સમાવેશ થાય છે.  ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો ભેગા થઇને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સ્થાનિકોમાં ચાલેલી ચર્ચા મુજબ, જાનૈયાઓને લઇ જઇ રહેલા આ ટેમ્પોનું વ્હીલ અચાનક નીકળી જતાં ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટેમ્પો અચાનક પલટી ખાઇ ગયો હતો. જેના કારણે આ ગંભીર અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:59 pm IST)