Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

વીએચપી-એચએચપી વચ્ચે કાનૂની લડાઈ થાય તેવી વકી

વણિકર ભવનની માલિકી ટ્રસ્ટની હોવાના પોસ્ટર્સ : વણિકર ભવન ખાતે પોલીસ બંદોબસ્ત : વીએચપી તેમજ એએચપી કાર્યકરો અને આગેવાનોનો ભવન ઉપર ધસારો

અમદાવાદ,તા. ૧૦ : પાલડીની મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યાલય વણિકર ભવનના કબ્જાના મુદ્દે ગઇકાલે વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી) અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ(એએચપી)ના કાર્યકરો સામ સામે આવી ગયા હતા અને એક તબક્કે બંને સંસ્થાના કાર્યકરો અને આગેવાનો વચ્ચે ઝપાઝપી થતાં વાતાવરણ ગરમાયું હતું. વણિકર ભવનના કબ્જાને લઇ વીએચપી અને એએચપીના કાર્યકરો અને આગેવાનો પોતપોતાના દાવા પર મક્કમ છે ત્યારે આજે ડો.વણીકર સ્મારક ભવન ખાતે વિવાદીત પોસ્ટર્સ લાગી ગયા હતા, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, ડો.વણીકર સ્મારક ભવનની માલિકી ડો.વણીકર સ્મારક ટ્રસ્ટની છે અને તેથી કોઇએ ગેરકાયેદસર પ્રવેસ કરવો નહી, નહીતર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બીજીબાજુ, આજે પણ વણિકર ભવનની બહાર અને અંદર પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો. જો કે, વીએચપી અને એએચપી કાર્યકરોની ચહલપહલના કારણે આ વિવાદ વધુ ગરમાયો છે. આગામી દિવસોમાં વીએચપી અને એએચપી વચ્ચે ભવન મામલે કાનૂની જંગ ખેલાય તેવી પૂરી શકયતા છે.

   ગઇકાલે સવારે વીએચપી અને આરએસએસના કાર્યકરોએ વણિકર ભવનમાં પ્રવેશી ગેરકાયદે કબજો લેવાનો પ્રયાસ કરતા વાત વણસી હતી. એએચપીએ દાવો કર્યો હતો કે, આ સંકુલની જગ્યા તેમના કબ્જામાં છે અને તે પણ કોર્ટના આદેશ તેમ કોર્ટ કમીશનના નિર્ણય મુજબ તેઓનું પઝેશન બોલે છે પરંતુ ડો.પ્રવીણ તોગડિયા વીએચપીમાંથી હકાલપટ્ટી બાદ હવે સરકારના ઇશારે આ ભવન પચાવી પાડવાના વીએચપી દ્વારા હીન પ્રયાસો થઇ રહ્યા છે. તો, સામેપક્ષે વીએચપીએ આ ભવન તેમનું હાવાનો દાવો કર્યો હતો. એક તબક્કે વણિકર ભવન ખાતે પોલીસની વિશાળ ફૌજ તૈનાત કરી દેવાઇ હતી. એએચપીએ અદાલતના હુકમના ઉલ્લંઘન બદલ વીએચપી સામે કેસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. દરમ્યાન આ સમગ્ર ઘટના અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડો.પ્રવીણ તોગડિયાએ ટ્વિટ કર્યું હતું કે, અમારી એએચપી ગુજરાત અમદાવાદ ઓફિસ પર પોલીસે ગુંડાઓને સાથે લઈ હુમલો કર્યો છે. અમને કોર્ટમાંથી ઓફિસ પર હક મળ્યો છે. આ લોકો કોર્ટને પણ માનતા નથી. મારા રૂમ અને બાકીના તાળા તોડીને અમારો સામાન મારો સામાન, મારા ભગવાનની મૂર્તિઓ સડકપર ફેંકી છે. સત્તાના મદમાં ભયંકર દમન. દરમ્યાન ડો.તોગડિયાએ મોદીના ઇશારે સરકાર અને પોલીસના ઇશારે આ ગેરકાયદે હીન કૃત્ય આચરાયું હોવાના ગંભીર આક્ષેપ પણ કર્યા હતા. બીજી તરફ વીએચપીએ પણ આ કાર્યાલયના અસલ દસ્તાવેજ પોતાની પાસે હોવાનો દાવો કર્યો હતો તેમજ ટ્રસ્ટના કુલ ૧૫માંથી પ્રવીણ તોગડિયા અને રણછોડ ભરવાડ સહિત પાંચ ટ્રસ્ટીઓ હેતુ વિરૂદ્ધ આ ભવનનો ઉપયોગ કરતા હોવાનો આરોપ મુક્યો હતો. વણિકર ભવનનો કબ્જો જે ટ્રસ્ટ પાસે છે તેમાં કુલ ૧૫ ટ્રસ્ટીઓ છે. વીએચપીથી અલગ થઈ આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદની રચના કરનાર ડો.પ્રવીણ તોગડીયા સહિત ૫ ટ્રસ્ટીઓ વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદના ૧૦ ટ્રસ્ટીઓ હોવાનું કહેવાય છે. આમ વણિકર ભવનનો કબજો મેળવવા હવે વીએચપી અને એએચપી  સમગ્ર વિવાદમાં કાનૂની સહારો લે તેવી પૂરી શકયતા છે.

(9:04 pm IST)
  • વિડીયો : નોટબંધી ને બે વર્ષ ઉપરાંત થવા આવ્યા છતાં હજુ જૂની ચલણી નોટો પકડાઈ રહી છે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પોલીસે ત્રણ કરોડથી વધારેની હજાર અને પાંચસોની બંધ થઈ ગયેલી જૂની ચલણી નોટો સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા છે. આ જૂની ચલણી નોટો મુંબઈથી નવસારીમાં નવસારીમાં, નવી નોટો સામે બદલાવવા માટે આવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતું. હવે એક બહુ મોટો પ્રશ્ન પોલીસ અને પ્રશાસન સામે આવી રહ્યો છે કે આખિરકાર આ જૂની ચલણી નોટોને નવી નોટો સામે કોણ બદલી આપે છે?? (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:38 pm IST

  • નમસ્કાર હું પ્રિયંકા ગાંધી વાડ્રા ,આપને મળવા લખનૌ આવી રહી છું :આપણે બધા મળીને નવી રાજનીતિની શરૂઆત કરશું : લખનૌમાં રોડ શો પહેલા પ્રિયંકા ગાંધીએ ઓડિયો મેસેજ મોકલ્યો :લખનૌમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પ્રિયંકા ગાંધી સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના આગેવાનો જોડાશે :પ્રિયંકાએ 30 સેકન્ડમાં ઓડીઓ મેસેજમાં નવા ભવિષ્ય અને નવી રાજનીતિના નિર્માણનું આહવાન કર્યું :કોંગ્રેસ સાથે જોડાવવા અપીલ કરી access_time 1:24 am IST

  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST