Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ઉતરાયણ પૂર્વેદહેગામ પોલીસે બાતમીના આધારે સોસાયટીમાં ચાઈનીઝ દોરીનો વેપલો ચલાવનાર બે શખ્સોને ઝડપી પાડ્યા

ગાંધીનગર: ઉત્તરાયણ પર્વ નજીક છે ત્યારે પક્ષીઓ અને માનવ જીંદગી માટે જોખમી એવી ચાઈનીઝ દોરી ઉપર જિલ્લા તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે દહેગામ પોલીસે બાતમીના આધારે દેવભુમિ સોસાયટીના મકાન નં.૧૦માં ચાલતા ચાઈનીઝ દોરીના વેપલાનો પર્દાફાશ કરીને ખરીદવા આવેલા બે શખ્સોને ઝડપી લીધા છે અને કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી પ્રતિબંધિત ૧પ૦ જેટલી ફીરકીનો જથ્થો જપ્ત કરી લીધો હતો. 

જિલ્લા તંત્ર દ્વારા ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરી આ પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતાં વેપારીઓને પકડવામાં પણ આવી રહયા છે.  ઉતરાયણ પર્વ દરમ્યાન દોરીથી પશુપક્ષીઓની સાથે માનવ જીંદગી પણ હોમાતી હોય છે ત્યારે ચાઈનીઝ દોરી ઉપર છેલ્લા ઘણા વર્ષોથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેમ છતાં આ પ્રતિબંધિત દોરીનું વેચાણ પર્વ દરમ્યાન વધી જતું હોય છે. ત્યારે  દહેગામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમયાન બાતમી મળી હતી કે દેવભુમિ સોસાયટી મકાન નં.૧૦માં રહેતા અનિલભાઈ સુખદેવભાઈ જાટ ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે અને હાલ પીકઅપ ડાલામાં અમદાવાદથી કેટલાક શખ્સો દોરી ખરીદવા આવ્યા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં આ પીકઅપ ડાલામાં સવાર મહેન્દ્રકુમાર કોદરજી ઠાકોર રહે.રામોલ રીંગરોડ અને ચીરાગ રમેશભાઈ પટેલ રહે.મહેમદપુરા તા.દસક્રોઈ તેમજ અનિલભાઈ જાટને ઝડપી પાડયા હતા. આ ડાલામાંથી ૧પ૦ જેટલી ચાઈનીઝ દોરીની ફીરકીઓ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય વ્યક્તિઓને ઝડપી પાડી પુછપરછ કરતાં અનિલભાઈએ કહયું હતું કે દહેગામના રાજુભાઈ શ્યામલાલ સીંધી પાસેથી આ ચાઈનીઝ દોરી ખરીદી હતી. જેથી પોલીસે ચારેય વ્યક્તિઓ સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી ૧પ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(5:14 pm IST)