Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

રાણાવાવ પંથકમાં 8 મોર સહિત રાજ્યમાં 128 પક્ષીઓના મોત: બર્ડફલુનો ફફડાટ : પશુ પાલન વિભાગમાં દોડધામ

રાણાવાવ તાલુકામાં દોઢ દિવસમાં કુલ 8 મોરના મૃતદેહ તથા 7 મોર પેરેલાઇઝડ હાલતમાં મળ્યા

અમદાવાદ : રાજયમાં ધીમે ધીમે કોરોનાના કેસો ઓછા થઈ રહ્યા છે પરતું હવે બર્ડફ્લુના વધતા ફફડાટને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે  પોરબંદરના રાણાવાવ તાલુકાના વાડી વિસ્તારમાંથી દોઢ દિવસમાં 8 જેટલા મોર મૃતહાલતમાં મળી આવતા ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત 7 મોર બિમાર સ્થિતીમાં મળી આવ્યા છે. રાજ્યમાં 8 મોર ઉપરાંત 10થી વધારે કબૂતર, 100 થી વધારે મરઘા અને 10 ટીટોડીઓનાં પણ મોત થયાનું સામે આવ્યું છે.

 હાલ બર્ડ ફલૂએ દેખા દીધી છે જેને પગલે પોરબંદર જિલ્લાના જળ પલ્લવિત વિસ્તારોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પક્ષીઓના મૃતદેહ જોવા મળે તો વનવિભાગ તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા દોઢ દિવસમાં રાણાવાવ તાલુકાના વાડી વિસ્તાર માંથી 8 મોરના મૃતદેહ મળી આવ્યા છે

જેમાં રાણાવાવ ગોવાણી વિસ્તારમાં માલદેભાઈની વાડીમાંથી 5 મોર મૃતદેહ હાલતમાં તથા 2 મોર પેરેલાઈઝડ હાલતમાં મળી આવ્યા હતા. રામગઢ ગામના રાજુભાઇ પરબતભાઇ મોઢવાડિયાની વાડીની બાજુના વિસ્તારમાં 1 મોર મૃત હાલતમાં તથા બીમાર હાલતમાં 4 મોર મળી આવ્યા છે. અન્ય 2 મોર મૃત હાલતમાં તથા 1 મોર બીમાર હાલતમાં વાડી વિસ્તારમાંથી મળી આવ્યા છે. આમ રાણાવાવ તાલુકા માંથી દોઢ દિવસમાં કુલ 8 મોરના મૃતદેહ તથા 7 મોર પેરેલાઈઝડ હાલતમાં મળી આવતા વનવિભાગ તંત્ર અને પશુપાલન વિભાગ તંત્ર હરકતમા આવ્યું હતું.

આ પ્રકારે રાણાવાવ તાલુકામાં દોઢ દિવસમાં કુલ 8 મોરના મૃતદેહ તથા 7 મોર પેરેલાઇઝડ હાલતમાં મળ્યા હતા. વનવિભાગ તંત્ર અને પશુપાલન વિભાગ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાના ચીખલી ગામે થોડા સમયથી 100 જેટલી મરઘીઓના શંકાસ્પદ મોત થયાનો મામલો સામે આવ્યો હતો. જેના પગલે પશુપાલનના અધિકારીઓ ઘટના સ્થલે મોબાઇલ લેબ સાથે પહોંચ્યા હતા. પ્રાથમિક તબક્કે આ મરઘાઓનું બર્ડ ફ્લુના કારણે મોત નિપજ્યું હોવાનું માની રહ્યા છે

આ ઉપરાંત ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામ પાસે ભાદર ડેમના કાંઠે આઠથી દસ ટીટોડીઓ મૃત હાલતમાં મળી આવી હતી. ઘટના અંગે માહિતી મળતા વન વિભાગ દોડતું થયું છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કીયા ગામમાં એક સાથે 10થી વધારે કબુતરનાં પણ મોત નિપજ્યા હોવાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. કબુતરના મોત કઇ રીતે થયા તે અંગે તપાસ શરૂ કરી છે.

(11:14 pm IST)