Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં બોડેલી ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂા. ૬૧૩.૧૬ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

છોટાઉદેપુર: આજે તા. ૧૧મી, જાન્યુઆરીના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ઉપસ્થિત રહી છોટાઉદેપુર જિલ્લામાં પૂર્ણ થયેલ રૂા. ૧૬૬.૦૭ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂા. ૪૭૭.૦૯ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ઉપસ્થિત રહી રૂા. ૧૫૪.૭૯ કરોડની ત્રણ પાણી પુરવઠા યોજનાઓ, રૂા. ૧૦.૮૨ કરોડના માધ્યમિક શાળાના મકાનો તથા ૪૮.૬૯ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સખી સ્ટોપ સેન્ટરના નવા બિલ્ડીંગનું લોકાર્પણ મળી રૂા. ૧૬૬.૦૭ કરોડના કામોનું લોકાર્પણ કરશે.
આ ઉપરાંત તેઓ આગામી સમયમાં બનાવવામાં આવનાર રૂા. ૯૯.૦૩ કરોડની છોટાઉદેપુર જિલ્લા બલ્ક પાઇપલાઇન પેકેજ-૧, રૂા. ૯૮.૫૧ કરોડની છોટાઉદેપુર જિલ્લા બલ્ક પાઇપલાઇન પેકેજ-૨, રૂા. ૯૭.૦૧ કરોડની છોટાઉદેપુર જિલ્લા બલ્ક પાઇપલાઇન પેકેજ-૩ યોજના તથા નસવાડી અને કવાંટ તાલુકાના ૭૩ ગામોને પીવાનું પાણી પુરૂ પાડવા માટેની રૂા. ૯૧.૧૦ કરોડની કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના તથા છોટાઉદેપુર જિલ્લાના ૧૨૭ ગામોને પીવાનું પાણી પુરૂં પાડવાની રૂા. ૬૧.૪૪ કરોડની પાણી પુરવઠા યોજના મળી કુલ રૂા. ૪૪૭.૦૯ કરોડની જુદી જુદી પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે.
જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની આગેવાનીમાં જિલ્લા પોલીસતંત્ર પણ મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે એ માટે ખડે પગે ફરજ બજાવી રહ્યું છે.
જિલ્લામાં યોજાનારા આ કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા કલેકટર સુજલ મયાત્રાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યું છે.

(6:18 pm IST)