Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

વડોદરા : નિવૃત પોલીસ અધિકારી એસો,ની સાધારણ સભા મળી: ઉત્કૃષ્ઠ કામગીરી બદલ કરાયાં સન્માનિત

એસો,હવે દરવર્ષે સારી કામગીરી કરનારા લોકોને સન્માનિત કરીને તેમનો ઉત્સાહ વધારશે

વડોદરામાં નિવૃત પોલીસ અધિકારીઓની સાધારણ સભામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓ તેમજ સામાજીક કાર્યકર્તા નિશિતા રાજપુતનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજયના નિવૃત પોલીસ કર્મચારીઓની વાર્ષિક સાધારણ સભા સોના પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ હતી  સભાની શરૂઆતમાં સંસ્થાના ખજાનચી ક્રિષ્ણા પાટીલે વાર્ષિક હિસાબો રજુ કર્યા હતાં. જેને સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યાં હતાં.

સાધારણ સભામાં રાજયના નિવૃત મુખ્ય પોલીસ વડા પ્રિતમસિંહ ઠાકુર, એમ.કે.ટંડન, ધગલ સાહેબ સહિત વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોટ અને સંસ્થાના પ્રમુખ કિશોરસિંહ ચૌહાણ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. વાર્ષિક સાધારણ સભામાં મહત્વની બાબત એ રહી હતી કે રાજયમાં પોતાની જાનની પરવા કર્યા સિવાય બહાદુરી પુર્વક પોતાની ફરજ અદા કરનારા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા સામાજીક કાર્યકર્તાઓનું સન્માન કરાયું હતું. પુરની સ્થિતિમાં પાણીમાં ફસાયેલા 100થી વધારે લોકોને નવજીવન બક્ષનારા પીએસઆઇ ચાવડા તેમજ 47 જેટલા બાળકો સહિતના લોકોને સલામત સ્થળે ખસેડનારા પોલીસ કોન્સટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા તથા વડોદરા શહેરમાં સામાજીક સેવાઓથી અવિસ્મરણીય સેવા આપનારા કુમારી નિશિતા રાજપુતને સન્માનિત કરાયાં હતાં.

નિવૃત પોલીસ અધિકારી એસોસીએશનના પ્રમુખ કિશોરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, એસોસીએશન દ્વારા હવે થી દર વર્ષે સારી કામગીરી કરનારા લોકોને સન્માનિત કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવશે. આ પ્રસંગે આયોજીત સંગીત સંધ્યાના કાર્યક્રમનો પણ લોકોએ આનંદ ઉઠાવ્યો હતો. સાધારણ સભામાં કોન્સટેબલ તેમજ હેડ કોન્સટેબલ એસોસીએશનના હોદેદારો અને સભ્યો પણ હાજર રહયાં હતાં.

(12:09 am IST)