Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો છતાં ઠંડીનો ચમકારો

નલિયામાં લઘુત્તમ તાપમાન ૮.૬ ડિગ્રી રહ્યું : અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૨.૩ ડિગ્રી : શહેરમાં સવારમાં ઠંડા પવનો ફુંકાતા કાતિલ ઠંડીનો થયેલો અનુભવ

અમદાવાદ,તા. ૧૧ : ગુજરાતભરમાં કાતિલ ઠંડીનું મોજુ અકબંધ રહ્યું છે. લઘુત્તમ તાપમાનમાં મોટાભાગના વિસ્તારોમાં વધારો થયો હોવા છતાં તીવ્ર ઠંડીનો ચમકારો અકબંધ જોવા મળી રહ્યો છે. લઘુત્તમ તાપમાનમાં હજુ પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે જેથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થશે અને લોકોને તહેવાર ઉપર રાહત મળી શકે છે. બીજી બાજુ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે જેથી બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૨.૩ ડિગ્રી રહ્યું હતું જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન ૮.૬ અને ડિસામાં લઘુત્તમ તાપમાન ૮.૮ ડિગ્રી રહ્યું હતું. રાજ્યના અન્ય ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં લોકોને આંશિક રાહત થઇ છે. પ્રદેશમાં નિચલી સપાટી ઉપર ઉત્તરપૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે.

             લઘુત્તમ તાપમાન આવતીકાલે અમદાવાદમાં ૧૪ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આજે રાજકોટમાં ૧૪, કેશોદમાં ૧૪.૬ અને ભુજમાં ૧૧.૬ પારો રહ્યો હતો. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે જેથી ઠંડીમાં વધુ વધારો થઇ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પણ કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયા છે. આજે અમરેલીમાં ૧૨.૬ અને પોરબંદરમાં ૧૬.૨ સુધી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં આંશિકરીતે વધશે અને પારો ૧૨ રહી શકે છે પરંતુ આજે અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો જોરદારરીતે રહેતા લોકો દિવસભર ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા.

            કોલ્ડવેવની કોઇ ચેતવણી તંત્ર તરફથી જારી કરાઈ નથી. ઠંડીથી બચવા લોકોને ગરમ કપડાં, સ્વેટર-ટોપી, મોજા પહેરવાની ફરજ પડી હતી. ભારે પવનથી લોકો ઠૂંઠવાઈ રહ્યાં છે. હવામાન વિભાગ મુજબ હવાની દિશામાં ફેરફાર અને રાજસ્થાનના સાઉથ-વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે રાજ્યભરમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. આગામી ૫ાંચ દિવસ સુધી અમદાવાદના વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. એક્યુવેધર મુજબ, ૧૧થી ૧૩ જાન્યુઆરી વાતાવરણમાં ધુમ્મસ જોવા મળશે. ત્યારબાદ તા.૧૩ અને ૧૪ જાન્યુઆરીએ અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તેની સાથે ઠંડા પવન પણ ફૂંકાશે. આગામી તા.૧૫ અને ૧૬ જાન્યુઆરી લઘુત્તમ તાપમાન ૧૦ અને ૧૧ ડિગ્રી વચ્ચે રહેશે. તાપમાનમાં ફેરફારનો દોર હાલ જારી રહી શકે છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૧ : ગુજરાતમાં ઠંડીનું મોજુ અકબંધ રહ્યું છે. રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૧૨.૩

ડિસા............................................................... ૮.૮

ગાંધીનગર................................................... ૧૨.૨

વીવીનગર.................................................... ૧૨.૮

વડોદરા........................................................ ૧૨.૪

સુરત........................................................... ૧૯.૨

કેશોદ........................................................... ૧૪.૬

અમરેલી....................................................... ૧૨.૬

રાજકોટ............................................................ ૧૪

સુરેન્દ્રનગર...................................................... ૧૩

મહુવા.............................................................. ૧૬

ભુજ............................................................. ૧૧.૪

નલિયા........................................................... ૮.૬

કંડલા એરપોર્ટ............................................... ૧૧.૭

(9:27 pm IST)