Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

રાધનપુર તાલુકાના જૂની ધરવડી નજીક પોલીસે બાતમીના આધારે 24 લાખના ગાંજાનાં જથ્થા સાથે એક ઈસમની રંગે હાથે ધરપકડ કરી

રાધનપુર: તાલુકાના જુની ધરવડી ખાતે મકાનની બાજુમાં આવેલ વાડામાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી રાધનપુર પોલીસને મળતા પોલીસે બાતમી આધારીત જગ્યાએ રેડ કરી હતી. જેમાં વાડામાં વાવેલા ૩૨૦ ગાંજાના છોડને સુકો ગાંજો મળી કુલ ૨૪ લાખ ઉપરાંતના જથ્થા સાથે એક ઈસમની પોલીસે ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘરવડી ખાતે રહેતા ઠાકોર વિભાભાઈ ઉર્ફે વિરભાણભાઈ વેરશીભાઈએ પોતાના કબજા ભોગવટાના વાડામાં ગેરકાયદેસર મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી રાધનપુર પોલીસને મળતા રાધનપુર પોલીસે સ્ટાફે તા.૯મી જાન્યુઆરીના રોજ ધરવડી ખાતે રહેતા રેડ કરી હતી. રેડ દરમિયાન વાડામાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરેલું પોલીસને માલુમ પડયું હતું. વાડામાં ગાંજાના છોડની ગણતરી કરતા ૪ ફુટથી ૧૫ ફુટની લંબાઈના ૩૨૦ લીલા ગાંજાના છોડ વાડામાં વાવેલા પોલીસને મળી આવ્યા હતા. જેનુ વજન ૨૪૫.૯૦૦ કિ.ગ્રામ કિ.રૃ.૨૪,૫૯,૦૦૦ તેમજ સાડા ત્રણ કિલો સુક્કો ગાંજો બન્ને મળી રૃ.૨૪,૯૩,૫૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે ઠાકોર વિરભાણને ઝડપી એનડીપીએસ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે રાધનપુર નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે આરોપીએ પોતાના ઘરની બાજુમાં આવેલ વાડામાં ગાંજાનું વાવેતર કર્યું હતું. જેની પોલીસને બાતમી મળતા રેડ કરવામાં આવી હતી. ઝડપાયેલ આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો અને ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો હતો જે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

(5:22 pm IST)