Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

વિજ્ઞાનનાં સાધનો સાચા પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ ખોટોઃ પૂ. મોરારીબાપુ

હિંમતનગરનાં બમણામાં આયોજીત ''માનસ ઉમાશંકર'' શ્રી રામકથાનો આઠમો દિવસઃ કાલે વિરામ

રાજકોટ,તા.૧૧: ''વિજ્ઞાનના સાધનો સાચા પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ ખોટો'' તેમ પૂ.મોરારીબાપુએ હિંમતનગરના બામણામાં આયોજીત ''માનસ ઉમાશંકર'' શ્રીરામકથાના આઠમા દિવસે કહ્યું હતું.

પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, સોશ્યલ મિડીયામાં અમુક વાતોને ખોટી રીતે રજુ કરવામાં આવી રહી છે. ત્યારે સત્યપીઠ પાસે અસત્યપીઠ ટકી ન શકે.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યું કે વડિલોને સાચવો, શાણપણ દાખવો, સેવા કાર્યોના પ્રવૃતિઓમાં આગળ વધો.

ગઇ કાલે સાતમા દિવસે પૂ.મોરારીબાપુએ કહ્યું કે, રામચરિત્ર માનસનો એક-એક શબ્દ એક-એક વર્ણ મારા માટે મહત્વનો છે. છતાં પણ માનસમાં પાંચ ચોપાઇઓ આવી છે. જે માનસનું હાર્દ છે. કયારેક અવકાશે એનો સંવાદ કરીશું.

આપણી ગુજરાતી વર્ણમાલાનો પાંચમો અક્ષર 'ચ' એટલે ચરમ અથવા પરમ પણ શ્રેષ્ઠત્વ નિર્દેશ કહે છે.

પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, પાંચદેવ એટલે જ સૃષ્ટિ માટે પણ એટલા જ મહત્વના છે. ગણેશ પૂજા  એટલે વિવેક સાધના, દુર્ગા પૂજા એટલે શકિત -ઉર્જાની ઉપાસના, શિવ અને સર્વપર કલ્યાણ અને વિષ્ણુ એટલે વિશાળતા, આકાશ જેટલી વિશાળતા તથા સુર્યપૂજા એટલે અજવાળામાં જીવવું.

કવિ ઉમાશંકર જોશી વિશેનું પોતાનું નિરિક્ષણ રજુ કરતા પૂ.મોરારીબાપુએ જણાવ્યું કે, 'એક-એક વિષય પર ઝીણવટથી કાર્ય કર્યું છે. એન્યાયે વિષયી છે, અનેક ગ્રંથોની સાધના કરી છે એટલે સાધક છે. અને સિધ્ધ તો છે જ. પહોંચેલા કવિ પ્રવાહ બનીને બે કિનારાને જોડતો હોય છે. એક લોકનો કિનારો એક વેદનો કિનારો.'

(3:49 pm IST)